મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ તાલુકાના કોરલાઈ નજીક દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા સિક્યોરીટી એજન્સીઓ દોડતીથઇ ગઈ છે, આ બોટ પાકિસ્તાનથી આવી હોવાની શંકા છે, પોલીસે સ્થાનિક લોકોને સતર્ક રહેવા જાણ કરી છે. નોંધનીય છે કે વર્ષ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર હુમલો કરવા આવેલા આતંકવાદીઓ બોટ મારફતે જ પાકિસ્તાનથી આવ્યા હતાં. હવે કોરલાઈના દરિયાકાંઠાથી લગભગ ત્રણ નોટિકલ માઈલ (લગભગ સાડા પાંચ કિલોમીટર) દૂર દરિયામાં શંકાસ્પદ બોટની હાજરીની જાણ થઇ હતી. અહેવાલ મુજબ આ બોટ પર પાકિસ્તાન સાથે સંબંધિત કેટલાક ચિન્હો જોવા મળ્યા છે.
રાયગઢ પોલીસ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ વિભાગ, રેપિડ રિસ્પોન્સ ટીમ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, નેવી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તમામ એજન્સીના અધિકારીઓએ કોરલાઈ પહોંચી ગયા છે. રાયગઢ જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ આંચલ દલાલના નેતૃત્વમાં હેઠળ બોટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.સિક્યોરીટી એજન્સીઓએ આ બોટને શંકાસ્પદ ગણાવી છે. એજન્સીના જણાવ્યા મુજબ આ બોટ રડારમાં પકડાઈ ગઈ છે, પણ ખરાબ હવામાનને કારણે હાલમાં આ બોટ સુધી પહોંચવું મુશ્કેલ છે. ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડની મદદથી બોટ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.