દેશમાં આ વર્ષે ચોમાસાએ તોફાની શરૂઆત કરી છે. ઉત્તર-પશ્ચિમ ભારતથી લઈને મધ્ય, પૂર્વ અને
ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો છે. ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશ અને
ઓડિશાથી આસામ સુધી 19 નદીઓમાં પૂરની સ્થિતિમાં છે. ભારે વરસાદથી નાગાલેન્ડમાં ત્રણ અને
ઓડિશામાં બે લોકોના મોત થયા છે. ગયા અઠવાડિયે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ ગુમ થયેલા
30 લોકોની શોધખોળ હજુ ચાલુ છે. જ્યારે વાદળ ફાટ્યા બાદ બંધ કરાયેલ બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ
પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. પરંતુ ટિહરી, ઉત્તરકાશી અને ચમોલીમાં મુશળધાર વરસાદને કારણે
ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. જ્યારે આગામી થોડા દિવસોમાં પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં ભારે
વરસાદની આગાહી છે. જેના કારણે પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ અઠવાડિયે સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે. પૂર્વ રાજસ્થાનમાં
13 જુલાઈ સુધી, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં
10 જુલાઈ સુધી, પશ્ચિમ રાજસ્થાનમાં 9 જુલાઈ સુધી અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 8 થી 10 જુલાઈ
દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળના ગંગા અને તેની આસપાસના વિસ્તારોમાં
નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. તેની અસરને કારણે, 10 જુલાઈ સુધી બંગાળ, ઝારખંડ, ઓડિશા,
સિક્કિમ અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ અને 30 -40 કિમી પ્રતિ કલાકની ઝડપે
પવન ફૂંકાઈ શકે છે.
બદ્રીનાથ હાઇવે પર ફરી કાટમાળ પડ્યો
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.બદ્રીનાથ
હાઇવે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. પરંતુ સોમવારે ઉમટ્ટામાં ફરીથી કાટમાળ પડતાં હાઇવે ત્રણ
કલાક સુધી બંધ રહ્યો હતો અને લંગાસુમાં 40 વાહનોને રોકવા પડ્યા હતા. કાટમાળ દૂર કર્યા પછી
વાહનોને આગળ વધવા દેવામાં આવ્યા હતા. લદ્દાખના લેહ જિલ્લામાં ભૂસ્ખલન બાદ બોર્ડર રોડ્સ ટાસ્ક
ફોર્સ એ ખાલસર-શ્યોક પટ્ટામાં ફસાયેલા બે નાગરિકોને બચાવ્યા છે.
નાગાલેન્ડમાં હવાઈ સેવા ખોરવાઈ
છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે નાગાલેન્ડમાં દીમાપુર એરપોર્ટ પર રનવે ડૂબી જવાને
કારણે રવિવારે ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવી પડી હતી. ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસની
ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 29 પર વાહનોની અવરજવર પણ ખોરવાઈ ગઈ
છે. આસામના લુમડિંગ-બદરપુર પહાડી વિભાગમાં ભૂસ્ખલનથી પાટા અવરોધાતા ત્રિપુરા, મણિપુર,
મિઝોરમ અને દક્ષિણ આસામ તરફની રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે.