વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય
ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ધરાવતા મહી નદી પરના બ્રિજના બે પિલર વચ્ચેનો સ્પાન
ધડાકાભેર તૂટી પડતાં વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોના કરુણ મોત થયા છે. આ
બ્રિજ 40 વર્ષ જૂનો હતો અને ખખડધજ થઈ ગયો હતો.
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ હવે સમગ્ર ગુજરાતમાં અનેક જૂના, જર્જરિત અને જોખમી પુલ ચર્ચાનું કેન્દ્ર
બન્યા છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે રાજ્યસભામાં આપેલી વિગતો અનુસાર ગુજરાતમાં 28
જૂના પુલનું સમારકામ અથવા નવનિર્માણ ચાલી રહ્યું છે. જોકે ગુજરાતમાં આખરે કેટલા બ્રિજ જોખમી છે
તે અંગે સરકારે મૌન ધારણ કર્યું છે. સુરતના કામરેજ ખાતે નેશનલ હાઈવે 48 પર તાપી નદીનો પુલ બે
વર્ષથી ક્ષતિગ્રસ્ત છે. લોખંડની પ્લેટના સહારે ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. આ પુલ પર 24 કલાક
સતત વાહનોની અવરજવર ચાલુ જ રહે છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
વલસાડ જિલ્લાના ધરમપુરથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવેનો કરંજવેરી ગામનો બ્રિજ
10 દિવસથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 50 વર્ષ જૂનો આ બ્રિજ અત્યંત જર્જરિત થઈ
ચૂક્યો છે. છેલ્લા છ વર્ષથી સરકારને આ બ્રિજ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવે છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે (નવમી જુલાઈ) તૂટી પડતાં અનેક
વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ
ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ
તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં
આવશે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો આપશે.