કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસે પોતાની અસર બતાવવાનું શરૂ કર્યું છે. નિપાહ વાયરસથી
સંક્રમિત થતા 57 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાથી અત્યારે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ સમગ્ર
બાબતને ગંભીરતાથી લેતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને અનેક પગલાં લઈ રહ્યું છે.
અત્યારે મૃતક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે જેથી તેમની
ઓળખ થઈ શકે અને તેમનો તબીબી પરીક્ષણ કરી શકાય અને જાણકારી મેળવી શકાય! 46 લોકોની
સંપર્ક યાદી તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આરોગ્ય વિભાગે રાજ્યના 6 જિલ્લાઓ માટે
એલર્ટ જાહેર કરી દીધું છે.
કેરળના રાજ્ય આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે આ અંગે વિગતો આપતા કહ્યું કે, ‘મંજેરી મેડિકલ કોલેજમાં
લેવામાં આવેલા પરીક્ષણમાં મૃતક વ્યક્તિનો નમૂનો પોઝિટિવ જોવા મળ્યો હતો. પુણે સ્થિત નેશનલ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના રિપોર્ટ આવ્યા પછી કેસની અંતિમ પુષ્ટિ કરવામાં આવશે. આ
વર્ષે પલક્કડ જિલ્લામાં નિપાહ વાયરસથી આ બીજું મૃત્યુ છે, ત્યારબાદ આરોગ્ય વિભાગે એલર્ટ જારી કર્યું
છે અને ઝડપી ટ્રેસિંગ અને નિયંત્રણ કામગીરી શરૂ કરી છે’.આ વાયરસને લઈને રાજ્ય સરકાર દ્વારા
લોકોને અપીલ કરવામાં આવી છે કે, જ્યા સુધી જરૂરિયાત ના હોય ત્યાં સુધી હોસ્પિટલ ના જવું. ખાસ
કીરને પલક્કડ અને મલપ્પુરમ જિલ્લામાં આવેલી હોસ્પિટલોમાં જરૂરિયાત સિવાય ના જવા સૂચના
આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જો પરિવાર કે સંબંધીઓમાં કોઈને આ વાયરસ થયો છે તો
તેનાથી પણ દૂર રહેવાનું કહેવામં આવ્યું છે.