પટનામાં CBI ટીમે મંગળવારે સાંજે આવકવેરા કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. આવકવેરા કાર્યાલયમાં અચાનક CBIના દરોડાએ ખળભળાટ મચાવી દીધો છે. CBI ટીમ આવકવેરા કાર્યાલયના બે કર્મચારીઓને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ હતી. આવકવેરા કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ હાલમાં CBIની આ કાર્યવાહી અંગે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા પૂછપરછ માટે લેવામાં આવેલા બે કર્મચારીઓમાં રિસર્ચ બ્રાન્ચના એક ઇન્સ્પેક્ટર અને એક મલ્ટી ટાસ્કિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે, લાંચ કેસમાં નક્કર માહિતી મળ્યા બાદ CBI ટીમે ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ કેસ 2 લાખ રૂપિયાની લાંચ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. જોકે હજુ સુધી CBI અને આવકવેરા વિભાગ તરફથી કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. તપાસ પૂર્ણ થયે સત્તાવાર જાહેરાત કરાઈ તેવું મનાઈ રહ્યું છે.