રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય સહિત અન્ય મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સક્રિય બની ગઈ છે. મળતી માહિતી અનુસાર, આ ધમકીયુક્ત ઈ-મેઈલમાં પંજાબના અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને નિશાન બનાવવામાં આવશે એવો ઉલ્લેખ કરાયો છે.
ઈ-મેઈલમાં માત્ર ગુજરાત નહીં પરંતુ તમિલનાડુના રાજકારણ અને ત્યાંના કેટલાક પત્રકારો તથા રાજકીય હસ્તીઓના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે. જે તપાસને વધુ ગંભીર બનાવે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈ-મેઈલ અલગ અલગ રાજ્યો અને શંકાસ્પદ નામો સાથે મોકલવામાં આવ્યો છે. જે તેનુ કનેક્શન કોઈ રાષ્ટ્રીય સ્તરના ષડ્યંત્ર તરફ ઈશારો કરે છે.
ધમકી મળતાં જ ગાંધીનગર પોલીસ અને આતંક વિરોધી દળ (ATS) તાત્કાલિક એલર્ટ પર આવી ગયા છે. મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર કચેરી અને અન્ય સંવેદનશીલ જગ્યાઓએ સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઈ-મેઈલની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને તે ક્યાંથી અને કોણે મોકલ્યો તેની તપાસ ચલાવવામાં આવી રહી છે.હજુ સુધી કોઈ સંગઠન દ્વારા આ ધમકીનો દાવો કરવામાં આવ્યો નથી. છતાં પોલીસ દરેક દિશામાં તપાસ ચલાવી રહી છે. મહત્વનું છે કે આવા પ્રકારના ઈ-મેઈલ વડે પેનિક ફેલાવવાનો પ્રયાસ કરાય છે, જેને ગંભીરતાથી લઈ આરામદાયક વ્યૂહરચનાથી જવાબ આપવો જરૂરી છે.