ઉત્તર પ્રદેશમાં આજે શનિવારે વહેલી સવારે યમુના એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. દિલ્હીથી આગ્રા જઈ રહેલી હાઈ સ્પીડ ઈકો કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પિતા અને બે પુત્રો સહિત 6 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે પત્ની અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ટક્કર એટલી ગંભીર હતી કે ઈકો કાર કચ્ચરઘાણ વળી ગયો હતો. અંધારાને કારણે ઈજાગ્રસ્ત લોકો લાંબા સમય સુધી કારમાં ફસાયેલા રહ્યા, ત્યારબાદ પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે ગેસ કટરથી કારના પતરા કાપીને બધાને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ આગ્રાના હરલાલપુરાના રહેવાસી ધરમવીર અને તેના બે પુત્રો રોહિત અને આર્યન તરીકે થઈ છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના મુરેનાના બે સગા ભાઈ દલવીર અને પારસ તોમરના પણ મોત થયા છે. એકની ઓળખ હજુ સુધી થઈ નથી. ઈજાગ્રસ્તમાં ધરમવીરની પત્ની સોની અને પુત્રી પાયલનો સમાવેશ થાય છે. મૃતકોમાં બે પરિવારના લોકોનો સમાવેશ થાય છે. એક પરિવાર આગ્રાનો છે જ્યારે બીજો પરિવાર મધ્ય પ્રદેશના મુરેનાનો છે. આ મામલે પોલીસે સંબંધીઓને જાણ કરી છે.