ગુજરાતમાં એક સમયે પાટીદાર આંદોલન થકી ભાજપ સરકારના નાકમાં દમ લાવી દેનાર અને હાલ
વિરમગામના ભાજપના જ ધારાસભ્ય હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. હાર્દિક પટેલે
વિરમગામ વિસ્તારમાં ગટરની સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું
છે કે જો તેનું ઝડપી નિરાકરણ નહી આવે તો ના છુટકે તેમણે ઉપવાસ આંદોલનમાં જોડાવું પડશે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્ર મારફતે નગરપાલિકા દ્વારા લોકોના પ્રશ્નો
પ્રત્યેની નિષ્કાળજી ઉજાગર કરી છે. હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી દ્વારા જે સ્ટ્રોમ વોટર
ડ્રેનેજ અને 11 અંડર ગ્રાઉન્ડ લાઈનના કામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તેમાં આજે 7 મહિના બાદ
1 ટકા કામ થયું નથી. તેમજ આજે પણ વિરમગામ શહેરમાં ગટરો ઉભરાય છે. પીવાના પાણી સાથે
ગટરનું ગંદુ પાણી મિક્સ થાય છે.
હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ
તરીકે ખુલીને ઉભું રહેવું પડશે. તેમજ જરૂર પડે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે
અને લોકોનો જે ભરોસો છે તે કાયમ કરવો પડશે. તેથી હું આશા રાખુ છું કે, મારી અને વિરમગામ
શહેરના લોકોની જે ચિંતા અને તકલીફ છે તે સમજશો અને ઝડપથી વિશેષ આયોજન સાથે ટીમ
મોકલીને કાયમી નિરાકરણ કરી લાવશો.