અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અન્ય બીજા ‘સેકન્ડરી સૈંક્શન’ લગાવવાનો સંકેત આપ્યો છે.
તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે ભારતીય સમય મુજબ, 8 કલાક પહેલાં જ તેમણે ભારત પર
25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી. એક રિપોર્ટરે જ્યારે પૂછ્યું કે, ચીન જેવા અન્ય દેશ પણ તો
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેમ છતાં ભારત પર જ વધારાનો ટેરિફ કેમ લગાવવામાં
આવ્યો? આ વિશે જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, ‘હજુ તો ફક્ત 8 કલાક થયા છે. જોતા રહો આગળ બીજું
શું થાય છે. તમને હજુ ઘણું જોવા મળશે… હજું ઘણાં સેકન્ડરી સૈંક્શન જોવા મળશે.’
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પણ ‘સેકન્ડરી સૈંક્શન’ લગાવવાની વાત કહી છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં
કહ્યું કે, ‘અમે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવામાં ચીન બાદ બીજા
નંબર પર છે. અમે ભારત સાથે જે કર્યું તે અન્ય દેશો પર પણ લાગુ કરવામાં આવશે. તેમાં ચીનનો પણ
સમાવેશ થઈ શકે છે.’