અમેરિકાએ ભારત પર લાદેલા 50 ટકા ટેરિફથી સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાથોસાથ ભારત-અમેરિકા વચ્ચે સ્થપાયેલા વર્ષો જૂના સંબંધો પર નકારાત્મક અસર પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.આવા સમયે દેશના કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ભારતને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું આહ્વાન કર્યું છે. એક ઇન્ટરવ્યુમાં પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, ‘હજારો વર્ષોથી પરિવર્તનનો અનુભવ કરતું ભારત હવે એક આત્મનિર્ભર દેશ બની ગયો છે.’તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “ભારત દર વર્ષે 6.5 ટકાના વૃદ્ધિ દર સાથે વધી રહ્યું છે. ભારત એક મજબૂત અને આત્મવિશ્વાસી દેશ છે. કેન્દ્ર સરકાર વેપારમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે પહેલા જ અનેક પગલાં ભરી ચૂકી છે.
આ વર્ષે ભારતની નિકાસ પાછલા વર્ષ કરતા વધારે હશે. ભારત આજે વૈશ્વિક વિકાસમાં 16 ટકાનો ફાળો આપી રહ્યો છે. વિશ્વમાં હવે ડિગ્લોબલાઈઝેશન નથી થઈ રહ્યું. પરંતુ દેશ હવે પોતાના વ્યાપારિક રસ્તે અને ભાગીદારોને ફરીથી નક્કી કરી રહ્યો છે.”યુરોપીય મુક્ત વેપાર સંગઠનના(ઈએફટીએ) દેશો અંગે પીયુષ ગોયલે જણાવ્યું કે, “ભારતને માત્ર ટેરિફમાં જ છૂટ નથી જોઈતી. પરંતુ દેશ હવે રોકાણ અને રોજગાર પર પણ ફોકસ કરી રહ્યો છે. આપણે હવે ચાર ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી છીએ અને દુનિયાની સૌથી વધારે ઝડપે વધનારી અર્થવ્યવસ્થા છીએે.
ભારતમાં સૌથી વધારે યુવાનો છે. જ્યારે અન્ય દેશોમાં વયોવૃદ્ધ લોકોની સંખ્યા વધારે છે. ઈએફટીએ દેશ ભારતમાં 100 અરબ ડોલરનું રોકાણ કરશે. જેનાથી ભારતમાં 10 લાખ પ્રત્યક્ષ રીતે અને 50 લાખ લોકો પરોક્ષ રીતે રોજગાર મેળવશે. આ કરાર 1 ઓક્ટોબરથી લાગૂ પડશે.”






