દેશના અનેક રાજ્યોમાં વરસાદની ધડબડાટી શરૂ છે, પરંતુ આ હાલ મહારાષ્ટ્ર સૌથી વધુ ભારે વરસાદના
કારણે પ્રભાવિત જોવા મળી રહ્યું છે. અહીં અત્યાર સુઘીમાં 7 લોકોના મોત નિપજ્યા છે અને 200થી વધુ
લોકો આ તબાહીમાં ફસાયા છે. માયાનગરી મુંબઈની રફતાર વરસાદના કારણે થંભી ગઈ છે, જેના કારણે
કોર્પોરેશનની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દેશની આર્થિક રાજધાનીના અનેક
ભાગોમાં હજુય સતત વરસાદ વરસી રહ્યો છે.
ક્યારેય ન રોકાતા મુંબઈના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, એટલું પાણી ભરાઈ ગયું છે કે,
અનેક જગ્યાએ ગાડીઓ ફસાઈ ગઈ છે. મુંબઈની અંધેરી સબવેમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ
ગયા છે, જેના કારણે અંધરી સબવે બંધ કરી દેવું પડ્યું. આ સિવાય પાણી ભરાઈ જવાના કારણે ચેંબુરની
એક હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો પોતાના
બીમાર પરિજનોને પીઠ પર તેડીને બીએમસી સંચાલિત માં હોસ્પિટલ સુધી પહોંચાડતા જોવા મળ્યા
હતા.
મુંબઈમાં ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. એરપોર્ટ સુધી જતા અનેક રસ્તા પર
હજું પણ પાણી ભરાયેલા છે. જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ઈન્ડિગોના જણાવ્યા
અનુસાર, વરસાદના કારણે અરાઇવલ અને ડિપાર્ચર બંનેમાં મોડું થઈ રહ્યું છે. ઈન્ડિગોએ યાત્રા કરનારા
લોકોને વેબસાઇટના માધ્યમથી પોતાની ફ્લાઇટ પર નજર રાખવાની સલાહ આપી છે.