સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ માટે બિલોને મંજૂરી અંગે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જેનો
વિરોધ કરતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એવો જવાબ આપ્યો હતો કે ન્યાયપાલિકા અને સંસદ બન્નેની
સત્તા અલગ છે, રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે.
તમિલનાડુના રાજ્યપાલે વિધાનસભા દ્વારા પસાર કરેલા બિલોને લટકાવી રાખતા રાજ્ય સરકાર દ્વારા
સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી, સુપ્રીમ કોર્ટે બાદમાં રાજ્યપાલની સાથે રાષ્ટ્રપતિ માટે પણ બિલો અંગે
નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેટલાક કાયદાકીય
સવાલો ઉઠાવાયા હતા, આ વિવાદ અંગે જવાબ આપતા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ બિલો અંગે
ક્યારે નિર્ણય લેવો ક્યારે નહીં તે નક્કી કરવાનું કામ ન્યાયપાલિકાનું નથી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની બેંચ સમક્ષ
મામલાની સુનાવણી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું
હતું કે બંધારણના આર્ટિકલ ૨૦૦ અને ૨૦૧માં રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે બિલોને મંજૂરી આપવા માટે
કોઇ જ સમય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. આર્ટિકલ ૧૪૩માં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિ
પોતાની રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, તેમને બિલોને મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટ કહી ના શકે.