અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નીલેશ દેસાઈએ ઈસરો માટે ‘વિઝન 2047’નો રોડમેપ રજૂ કર્યો, જેમાં આગામી 15 વર્ષમાં એટલે કે 2040 સુધીમાં દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે 100થી વધુ ઉપગ્રહોના પ્રક્ષેપણની યોજના રજૂ કરી છે. આમાં મોટાભાગના ઉપગ્રહો પૃથ્વી અવલોકન માટે હશે, જે જમીન, મહાસાગર અને વાયુમંડળના પ્રયોગો માટે ઉપયોગમાં લેવાશે.
નીલેશ દેસાઈએ જણાવ્યું કે, આ લક્ષ્ય ભલે મોટો લાગે, પરંતુ તે દર વર્ષે ફક્ત 7-8 મિશન છે, જે ઈસરોના હાલના ચંદ્રયાન કે ગગનયાન જેવા મિશનો ઉપરાંત પણ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. અત્યાર સુધી ઈસરો વાર્ષિક 5-6 મિશન કરતું આવ્યું છે, જેમાંથી 2016માં મહત્તમ 9 મિશન કર્યા હતા.ઈસરોના અધ્યક્ષ વી. નારાયણનએ કહ્યું કે, અંતરિક્ષ ક્ષેત્રમાં બદલાવ આવી રહ્યો છે અને દેશની જરૂરિયાતો મુજબ ઈસરોએ પોતાની ગતિ વધારવી પડશે. આ માટે ઈસરો ખાનગી અંતરિક્ષ કંપનીઓ પર નિર્ભર છે, જે હાલમાં ભારતમાં 350થી વધુ છે અને નવીન પરિયોજનાઓ પર કામ કરી રહી છે. વી. નારાયણનએ ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં ઝડપી સ્વદેશીકરણ પર પણ ભાર મૂક્યો. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, નેવિગેશન સિસ્ટમ માટે વપરાતી એટોમિક ક્લોક જેવી મહત્ત્વની વસ્તુઓ હજુ પણ આયાત કરવી પડે છે, જેનું ઉત્પાદન ભારતમાં વધારવું પડશે.
રોડમેપમાં ભવિષ્યના મિશનોનો પણ સમાવેશ થાય છે. ચંદ્રયાન-4 અને 5 (2027-28 સુધીમાં) નમૂના પાછા લાવવાના મિશન છે, જ્યારે 2040માં ચંદ્ર પર ક્રૂ મિશન પહેલાં ચંદ્રયાન-6, 7 અને 8 પણ મોકલવામાં આવશે. આ ઉપરાંત, ભારતનું પ્રથમ મંગળ લેન્ડર મિશન પણ આ રોડમેપમાં સામેલ છે.
ઈસરો આગામી 15 વર્ષમાં જે 100 થી વધુ ઉપગ્રહોના પ્રક્ષેપણની યોજના બનાવી રહ્યું છે, તેમાંથી મોટાભાગના પૃથ્વી-અવલોકન ઉપગ્રહ હશે. તેમાંથી લગભગ 80 ફક્ત જમીન-આધારિત પ્રયોગો માટે હશે, જ્યારે અન્ય મહાસાગર અને વાયુમંડળના પ્રયોગોને શક્ય બનાવશે. આ દરમિયાન, ઈસરો 16 ટેકનોલોજી પ્રદર્શન મિશનોની પણ યોજના બનાવી રહ્યું છે, જે તેની નવી અને વધતી ક્ષમતાઓને દર્શાવશે.