અમેરિકન રાજદૂત અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ ભારત અને રશિયા વચ્ચેના
તાજેતરના ક્રૂડ ઓઇલ કરાર અંગે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભારત દ્વારા
ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીએ રશિયાના આક્રમણને પ્રોત્સાહન આપ્યું છે અને અમેરિકન
કરદાતાઓ પર ભારે બોજ નાખ્યો છે.
નવારોએ રશિયા-યુક્રેન સંઘર્ષને ‘મોદીનું યુદ્ધ’ ગણાવ્યું અને ચેતવણી આપી કે, જો ભારત આ નીતિ ચાલુ
રાખશે તો અમેરિકાને તેના પર કડક વલણ અપનાવવું પડશે. જો ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું
બંધ કરશે તો અમેરિકાના ટેરિફમાં 25% રાહત મળી શકે છે.
એક ઇન્ટરવ્યુમાં નવારોએ કહ્યું કે, ‘ભારત અસ્પૃશ્ય નથી અને શાંતિનો માર્ગ આંશિક રીતે ભારતમાંથી
પસાર થાય છે. નવારોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
બુધવારે (27 ઓગસ્ટ) ભારતમાંથી આવતા માલ પર 50% ટેરિફ લાદ્યો હતો, જે પશ્ચિમી દબાણ છતાં
ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીને રોકવા માટે લાદવામાં આવ્યો છે.