પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આજે શનિવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ચાર કલાકમાં સાડા આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં તો 7 ઇંચ વરસાદ પડતાં સમગ્ર હાલોલ જળબંબાકાર થઈ ગયું હતું. આ અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
હાલોલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાલોલ-વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એક ઘટનામાં, વરસાદી પાણીમાં એક એસ.ટી. બસ ખોટકાઈ હતી, જેના કારણે તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે હાલોલના દુનિયા ગામ નજીક એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોએ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરી હતી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મંદિર તરફ જવાના પગથિયાં પર પાણીનો ધોધ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકો ફોટોગ્રાફીનો આનંદ માણતા પણ જોવા મળ્યા હતા.