રાજ્યમાં નકલી દારૂની ફેક્ટરી અને નકલી વિઝા બાદ હવે ડુપ્લીકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા LCB દ્વારા ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી ડુપ્લીકેટ નોટોની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. LCBએ બાતમીના આધારે આ દરોડો પાડીને ડુપ્લીકેટ નોટો છાપતા બે આરોપીઓની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની ડુપ્લીકેટ નોટો અને અન્ય સાધનો જપ્ત કર્યા છે. ગત મોડી રાતથી પોલીસ દ્વારા આ ડુપ્લીકેટ નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે.આ ઘટનાથી પોલીસ અને તંત્રમાં હડકંપ મચી ગયો છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને આ રેકેટના અન્ય સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથા સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. દેશના અર્થતંત્રને ખોખલું કરવાના આ ષડયંત્રમાં પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ ચલાવાઈ રહી છે.