નેપાળમાં સ્થિતિ હજુ સુધરવાનું નામ નથી લઈ રહી. સરકાર સામે વિરોધ પ્રદર્શનના નામે ઉપદ્રવીઓને
પણ પૂરતી તક મળી રહી છે. ગુરૂવારે કાઠમાંડુ પાસે જ ઉપદ્રવીઓએ ભારતીય યાત્રાળુઓથી ભરેલી બસ
પર હુમલો કર્યો હતો અને યાત્રાળુઓના સામાનને લૂંટીને ભાગી ગયા હતા. હુમલામાં અનેક યાત્રાળુઓ
ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં મોટાભાગના લોકો આંધ્રપ્રદેશના રહેવાસી
હતા. તેઓ કાઠમાંડુમાં પશુપતિ નાથમાં દર્શન કરીને ભારત તરફ પરત ફરી રહ્યા હતા. આ બસનો નંબર
ઉત્તર પ્રદેશનો હતો.
મળતી માહિતી મુજબ, ઉપદ્રવીઓએ પહેલા બસ પર પથ્થરમારો કર્યો અને પછી મુસાફરોના મોબાઈલ
ફોન અને અન્ય કિંમતી વસ્તુઓ લૂંટવાનું શરૂ કર્યું. બસમાં સવાર ઓછામાં ઓછા 8 મુસાફરો ઈજાગ્રસ્ત
થયા છે. જોકે, આ વિશે જાણ થતા નેપાળી સેનાના જવાનો તુરંત મુસાફરોની મદદે આવ્યા હતા. બાદમાં
ભારતીય દૂતાવાસને આ વિશે જાણ કરવામાં આવી હતી. તમામ મુસાફરોને કાઠમાંડુથી એરલિફ્ટ કરીને
દિલ્હી લાવવામાં આવ્યા હતા. બસ ડ્રાઇવરે આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે, હુમલો થયો ત્યારે તેમની
બસ યુપીના મહારાજગંજ નજીક સોનાલી સરહદ પર પહોંચી હતી. ઉપદ્રવીઓએ બસનો એક પણ કાચ
બાકી નથી મૂક્યો. નેપાળમાં કથળતી સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ એલર્ટ
આપવામાં આવ્યું છે. ત્રણેય રાજ્યોમાં નેપાળની સરહદે આવેલા જિલ્લામાં સાવધાની રાખવામાં આવી
રહી છે. વળી, ભારતમાં ફસાયેલા નેપાળી નાગરિકોની ચકાસણી પછી પાછા મોકલવામાં આવી રહ્યા છે.
નેપાળમાં ફસાયેલા નાગરિકો પણ ધીમે-ધીમે પાછ ફરી રહ્યા છે. કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસે તેમના
પરત આવવાની વ્યવસ્થા પણ કરી છે.
નેપાળની જેલોમાંથી ભાગ્યા કેદી
નેપાળની જેલોમાંથી ફરાર ગુનેગાર ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી
માહિતી મુજબ, લગભગ 60 શંકાસ્પદ નેપાળી કેદીઓની સશસ્ત્ર સરહદી દળ (SSB)ના સતર્ક જવાનોએ
ભારત-નેપાળ સીમા પર ઝડપી લેવામાં આવ્યા. આ શંકાસ્પદ કેદીઓને એસએસબી કર્મીઓએ ઉત્તર
પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારત-નેપાળ સરહદ પરથી પકડ્યા છે. ભારત-નેપાળ સરહદની
સુરક્ષા માટે જવાબદાર એસએસબી આ પરિસ્થિતિ જોતા હાઇ એલર્ટ પર છે અને તેની ગુપ્ત શાખા પણ
સતર્ક છે. આ સિવાય સરહદથી ભારતમાં પ્રવેશ કરનારા દરેક શંકાસ્પદો પર નજર રાખવામાં આવી રહી
છે.