બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની પેનલે પૂર્વ પ્રમુખ જાયર બોલ્સોનારોને સત્તાપલટાનું કાવતરું
ઘડવાના દોષિત ઠેરવ્યા અને તેમને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી. 2022ની ચૂંટણી
હાર્યા બાદ બોલ્સોનારો પર ગેરકાયદેસર રીતે સત્તામાં રહેવા માટે દેશમાં બળવાનું કાવતરું ઘડવાનો
આરોપ લાગ્યો હતો. આ નિર્ણયથી તેમના દ્વારા સ્થાપિત જમણેરી પોપ્યુલિસ્ટ આંદોલનને મોટો ફટકો
પડ્યો છે.
અહેવાલ મુજબ બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની પેનલે બોલ્સોનારોને દેશની લોકશાહી પર
હુમલો કરવાના દોષિત ઠેરવ્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ પૂર્વ પ્રમુખ આવા આરોપમાં દોષિત
ઠર્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયની સખત નિંદા કરી છે.ન્યાયાધીશ કાર્મેન લુસિયાએ
તેમના નિર્ણય પહેલાં કહ્યું હતું કે આ ગુનાઈત કેસ બ્રાઝિલના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચે એક
સીમાચિહ્નરૂપ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બોલ્સોનારોએ લોકશાહી અને બંધારણીય સંસ્થાઓને નબળા
પાડવાના ઇરાદાથી આ કાવતરું ઘડ્યું હતું.