નવરાત્રિ પહેલાં ચોમાસાની વિદાયના અહેવાલો વચ્ચે ગુજરાતમાં સોમવારથી ત્રણ દિવસ ઠંડા પવન
સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના
વિવિધ વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાં વરસવાની આગાહી કરાઈ છે.
અમદાવાદના હવામાન વિભાગ અનુસાર, આગામી 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને
દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદ,
બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં આ ત્રણ દિવસ દરમિયાન
વરસાદી માહોલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાશે.ગુજરાતમાં અમરેલી
અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલીના રાજુલા પંથકમાં સવારથી સાંજ
સુધીમાં દોઢ ઈંચ તથા વલસાડમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારીના ખેરગામમાં એક
ઈચ તેમજ સુરત, ભરૂચ અને ડાંગના વિવિધ વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે.