અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનાના ફુગાવામાં 0.4 ટકાનો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશ ઉપરાંત રોજગાર ક્ષેત્ર પણ નબળું પડી રહ્યું હોવાના નિર્દેશો સાથે ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ 3673.95 ડૉલરની નવી ઊંચી સપાટી નોંધાવ્યા બાદ પાછા ફર્યા હતા.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને ઔંસદીઠ 3650 ડૉલરની સપાટીની ઉપર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 1.7 ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ 42 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા.આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ વધુ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 3509ના ઝડપી ઉછાળા સાથે 1.28 લાખની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ સોનામાં પણ વિશ્વ બજાર પાછળ 10 ગ્રામદીઠ રૂ. 608થી 610ની તેજીનો પવન ફૂંકાઈ જતાં ભાવ પુન: 1.09 લાખની સપાટી પાર કરી ગયા હતા.