એશિયા કપના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે. આ મેચ 28 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ગુરુવારે બાંગ્લાદેશ પર 11 રનથી જીત મેળવીને પાકિસ્તાને ફાઈનલમાં સ્થાન મેળવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત આ એશિયા કપમાં પાકિસ્તાનને બે વખત હરાવી ચૂક્યું છે.
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 136 રનના ટાર્ગેટને ચેઝ કરતા બાંગ્લાદેશ 20 ઓવરમાં 9 વિકેટે 124 રન જ બનાવી શક્યું. શમીમ હુસૈને સૌથી વધુ 30 રન બનાવ્યા. ટીમના બાકીના બેટર્સ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. શાહીન શાહ આફ્રિદીએ 3 વિકેટ લીધી, અને સૈમ અયુબે 2 વિકેટ લીધી.
અગાઉ, ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 135 રન બનાવ્યા. મોહમ્મદ હારિસે 31, શાહીન શાહ આફ્રિદીએ 19 અને મોહમ્મદ નવાઝે 25 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. ટીમે એક સમયે 49 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશ તરફથી તાસ્કિન અહેમદે 3 વિકેટ લીધી, જ્યારે મેહદી હસન અને રિશાદ હુસૈને 2-2 વિકેટ લીધી.






