ગત મોડી રાત્રે તુર્કીયેની ધરતી કંપી ઉઠી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ આપેલી માહિતી મુજબ 4.7 ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતાGFZએ શરૂઆતમાં 5.33 જણાવી હતી. જોકે, પછીથી તીવ્રતા 4.7 હોવાનું જણાવવામાં આવ્યું. GFZ એ આપેલી માહિતી મુજબ ભૂકંપ સ્થાનિક સમય મુજબ 2:54 વાગ્યે આવ્યો હતો અને તેનું સેન્ટર સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે એ તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ એમેટ શહેરથી 17 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં અને 7.4 કિલોમીટરની ઊંડાઈએ હતું. તુર્કી ભૂકંપ માટે ખુબ સંવેદનશીલ છે, કેમ કે તે મુખ્ય ફોલ્ટ લાઇનની ઉપર આવેલો દેશ છે. અહીં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. તાજેતરમાં 2 ઓક્ટોબર, 2025ના રોજ ઇસ્તંબુલ અને ઉત્તરપશ્ચિમ તુર્કીમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. 28 સપ્ટેમ્બરના રોજ પણ ઉત્તરપશ્ચિમ તુર્કીમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, કેટલાક લોકો દિવસભર ઇમારતોની બાહર રહ્યા હતાં.