રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે,અમેરિકા દ્વારા સૂચિત
હોલ્ટિંગ ઈન્ટરનેશનલ રિલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ (હાયર) એકટ ભારત માટે એચ1બી વિઝા ફીમાં
તાજેતરના વધારા કરતા પણ વધુ જોખમી છે.
સૂચિત હાયર એક્ટ માત્ર માલસામાન પર જ નહીં આઉટસોર્સ કરાયેલી સર્વિસીઝ પર પણ ટેરિફ લાગુ
કરી શકે છે, જે ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સેવા ક્ષેત્રની નિકાસને વધુ નુકસાન પહોંચાડી શકે
છે.અમેરિકન કોંગ્રેસ હાયર એકટ પર ચર્ચા કરી રહી છે જેનો હેતુ આઉટસોર્સ કરાયેલા કામ પર ટેકસ
લાદવાનો છે. તે કેવી રીતે લાગુ કરાશે તે એક પ્રશ્ન છે, પરંતુ ટેરિફની આ શ્રેણીઓ ચિંતાનો વિષય
છે.આઉટસોર્સિગને ઘટાડી અમેરિકાની અંદર રોજગાર નિર્માણને પ્રોત્સાહન મળે તેવી રીતે સૂચિત હાયર
ધારાની જોગવાઈ ઘડવામાં આવી છે. વિદેશના કામદારો પાસેથી અમેરિકાની અંદર ઉપયોગમાં
લેવાયેલી સેવાઓ પર ૨૫ ટકા આઉટસોર્સિંગ ટેકસ લાગુ કરવાની સૂચિત ધારામાં જોગવાઈ છે.
વિદેશના કર્મચારીઓને કરાતા પેમેન્ટ પર જ આ ટેકસ વસૂલાશે અને વેપાર ગૃહો તેને ખર્ચ તરીકે
વેરામાંથી બાદ માટે દાવો કરી નહીં શકે. આવા પ્રકારના ધારાથી ભારતના સેવા ક્ષેત્ર પર સીધી અસર
પડશે એમ પણ રાજને દાવો કર્યો હતો.





