ઈલેક્શન કમિશનની જાહેરાત બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રીવિઝનની એટલે
કે મતદાર યાદીના ખાસ વેરિફિકેશનની કામગરી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજ્યભરના પ્રાથમિક
સ્કૂલોના શિક્ષકોને બીએલઓ(બુથ લેવલ ઓફિસર)ની કામગીરીના ઓર્ડર થઈ ગયા છે. પરંતુ જેમાં
મીટિંગમાં બીએલઓ તરીકે હાજર ન રહેનાર સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને
શૈક્ષણિક સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
શિક્ષકોને બુથ લેવલ ઓફિસર તરીકેની સોંપાયેલી કામગીરીમાં ગેરહાજર રહે તો ધરપકડ વોરન્ટ ઈશ્યૂ
કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘે ઉગ્ર વિરોધ નોંધાવતા આ મુદ્દે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ
પણ કરી છે. શૈક્ષિક સંઘે આ નિયમ દૂર કરવા અથવા આ પ્રથા બંધ કરવાની માંગ કરીને બીએલઓની
કામગીરી માત્ર શિક્ષકોને જ ન આપી અન્ય સંવર્ગના કર્મચારીઓને પણ આપવા રજૂઆત કરી છે.
શૈક્ષિક સંઘે રજૂઆત કરી છે કે જો કોઈ શિક્ષક-કર્મચારી કોઈ ખાસ કે અન્ય કારણોસર કામગીરી-મીટિંગમાં
હાજર ન રહે તો તેની સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરવાનો નિયમ ગુલામપ્રથા જેવી પ્રથા છે. શિક્ષક
સિવાયના અન્ય કોઈ કર્મચારી દ્વારા ભૂલ થાય તો ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયો હોય તેવુ ધ્યાનમાં નથી
ત્યારે શિક્ષકો સામે જ આવો અન્યાય કેમ? શિક્ષકોનું સમાજમાં સન્માન જળવાઈ રહે તે માટે આ પ્રથા
દૂર થવી જોઈએ.






