ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બુધવારે કાલકા એક્સપ્રેસ ટ્રેનથી 7-8 શ્રદ્ધાળુઓ કપાઈ ગયા. આ અકસ્માતમાં 6 મહિલાઓનાં મોત થઈ ગયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના સવારે 9:30 વાગ્યે ચુનાર રેલવે સ્ટેશન પર ઘટી હતી. ઘટના પછી સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ. અકસ્માત સવારે 9:30 વાગ્યે પ્લેટફોર્મ નંબર 3 પર થયો. ચોપનથી પેસેન્જર ટ્રેન રેલવે સ્ટેશન પહોંચી. ટ્રેનમાં ભીડ હોવાને કારણે, કેટલાક શ્રદ્ધાળુઓ પ્લેટફોર્મ પર ન ઊતરતાં ટ્રેનની બીજી તરફના ટ્રેક પર ઊતરી ગયા. આ જ દરમિયાન, તેજ રફતારમાં કાલકા એક્સપ્રેસ તે ટ્રેક પરથી પસાર થઈ. યાત્રીઓ કંઈ સમજી શકે તે પહેલાં જ 7-8 લોકો ટ્રેનની અડફેટમાં આવી ગયા.
મૃતકોમાં મોટાભાગની મહિલાઓ હતી. ઘણા યાત્રીઓના શરીરના ટુકડા રેલવે ટ્રેક પર વિખરાઈ ગયા હતા. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે કાલકા એક્સપ્રેસનું ચુનાર સ્ટેશન પર સ્ટૉપેજ નહોતું. આ કારણે ટ્રેનની સ્પીડ ખૂબ જ ઝડપી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત એટલી ઝડપથી થયો કે કોઈને સમજવાનો સમય જ ન મળ્યો.કાર્તિક પૂર્ણિમાને કારણે સ્ટેશન પર ખૂબ ભીડ હતી, તેમ છતાં ટ્રેનને પ્લેટફોર્મ પરથી ધીમી ગતિએ પસાર કરવામાં આવી નહોતી. જ્યારે ટ્રેન પસાર થઈ ગઈ, ત્યારે ટ્રેક પર લાશો વિખરાયેલી જોવા મળી.તમામ મૃતકોની ઓળખ થઈ ચૂકી છે, કારણ કે મોટાભાગની મહિલાઓ જૂથોમાં ગંગા સ્નાન માટે જઈ રહી હતી. રેલવે સ્ટેશનથી જ 2-3 કિલોમીટર દૂર ગંગા ઘાટ આવેલો છે. અકસ્માત બાદ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે.
6 મહિલાઓના મોતની પુષ્ટિ
આ અકસ્માતમાં 6 મહિલાઓના મોતની પુષ્ટિ થઈ છે. તેમાં સવિતા (28), સાધના (16), શિવકુમારી (12), અંજુ દેવી (20), સુશીલા દેવી (60) અને કલાવતી દેવી (50)નો સમાવેશ થાય છે. સવિતા અને સાધના સગી બહેનો છે.
સ્ટોપ ન હોવાથી ગતિ વધુ હતી
કાલકા એક્સપ્રેસ રાત્રે 9:55 વાગ્યે હાવડા સ્ટેશનથી રવાના થઈ. તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશનથી સવારે 8:36 વાગ્યે મિર્ઝાપુર સ્ટેશન માટે રવાના થઈ, અડધો કલાક મોડી. ચુનારમાં તેનું સ્ટોપ નહોતું. પરિણામે, ટ્રેનની ગતિ પ્રતિ કલાક 60 કિલોમીટરને વટાવી ગઈ.
ખોટી રીતે ટ્રેક ઓળંગટી વખતે દુર્ઘટના સર્જાઈ
આ તમામ શ્રદ્ધાળુઓ ચોપન-પ્રયાગરાજ પેસેન્જર ટ્રેનમાંથી પ્લેટ ફોર્મ નંબર 4 પર ઉતર્યા હતા. સ્ટેશન પર ઉતાવળમાં આ લોકો રેલવે ટ્રેક ઓળંગવા લાગ્યા ત્યારે વિપરિત દિશામાંથી આવતી એક્સપ્રેસ ટ્રેન કાલકા મેલની અડફેટે આવી ગયા હતા. ખોટી રીતે ટ્રેક ઓળંગતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી.






