અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે અથડામણની ઘટના બની છે. બંને દેશોની સરહદ પર ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના દક્ષિણ કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લા હોસ્પિટલના એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. આ ઘટના બાદ બંને દેશોએ એક-બીજા પર ગોળીબાર શરૂ કરી હોવાનો આરોપ મૂક્યો હતો.
એકબાજુ બંને દેશો વચ્ચે તૂર્કિયેમાં ચાલી રહેલી શાંતિ મંત્રણાઓ અંતિમ તબક્કામાં છે. આ મંત્રણાનો ઉદ્દેશ તાજેતરમાં બંને દેશો વચ્ચે વધેલા તણાવ અને અથડામણનો અંત લાવવાનો છે. બીજી બાજુ બંને દેશો અવારનવાર એકબીજા પર હુમલા કરી રહ્યા છે.તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે તૂર્કિયેમાં પાકિસ્તાન સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાની દળોએ સ્પિન બોલ્ડક પર ગોળીબાર કર્યો હતો. ઇસ્લામિક અમીરાત દળોએ વાતચીતનો આદર કરતાં વધુ જાનહાનિ ટાળવા હાલ કોઈ જવાબ આપ્યો ન હતો.






