પશ્ચિમી આફ્રિકન દેશ માલીમાં અજાણ્યા બંદૂકધારીઓએ વીજળીકરણ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરતાં આફ્રિકામાં ભારતીયોની સુરક્ષા અંગે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપની અને સુરક્ષા સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે કોબ્રી વિસ્તાર પાસે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેઓ માલીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પુરવઠા પ્રોજેક્ટ ચલાવતી કંપનીના કર્મચારી હતા.
કંપનીના પ્રતિનિધિએ પાંચ ભારતીય નાગરિકોના અપહરણની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે બાકીના કર્મચારીઓને રાજધાની બમાકો સુરક્ષિત પહોંચાડી દેવાયા છે. હાલમાં, કોઈ પણ જૂથે આ અપહરણની જવાબદારી લીધી નથી. માલીમાં હાલમાં સૈન્ય જુન્ટાની સત્તા છે, પરંતુ દેશ આતંકી હિંસા અને અશાંતિથી પીડાઈ રહ્યો છે. અહીં ઇસ્લામિક સ્ટેટ, અલ કાયદા, અને ‘ગ્રુપ ફોર ધ સપોર્ટ ઓફ ઇસ્લામ એન્ડ મુસ્લિમ્સ જેવા જિહાદી જૂથોનો પ્રભાવ છે, જેમાં JNIM લોકોને પરેશાન કરી રહ્યું છે. માલીની ઘટના બાદ, આફ્રિકામાં ભારતીય કામદારોની સુરક્ષા અંગે ચિંતા વધી છે, કારણ કે થોડા સમય પહેલાં જ સુદાનમાં ઓડિશાના આદર્શ બેહેરાનું અપહરણ થયું હતું. તેમને રેપિડ સપોર્ટ ફોર્સ મિલિશિયાએ બંધક બનાવ્યા છે.






