અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનના 40 દિવસ થઈ ગયા છે. જેની અસર હવે ફ્લાઇટ્સ પર પણ પડી
રહી છે. કર્મચારીઓની અછતના કારણે હવે વિમાન સેવા પ્રભાવિત થઈ છે. વિમાન કંપનીઓ દ્વારા
2100થી વધુ ઉડાન રદ્દ કરવામાં આવી હતી. નિષ્ણાતો મુજબ, જો આ રીતે ફ્લાઇટ રદ્દ થતી રહેશે તો
તેની વ્યાપક અસર થશે.
શટડાઉન ટૂંક સમયમાં ખતમ થઈ થવાની શક્યતા છે. સેનેટ મીટિંગમાં તેનું સમાધાન આવી શકે છે.
રિપબ્લિકન નેતા સેનેટર જૉન થ્યૂને કહ્યું કે, શટડાઉન સમાપ્ત કરવા માટે ડેમોક્રેટ સભ્યો સાથે વાતચીત
ચાલી રહી છે, હજુ સુધી કંઇ નક્કી થયું નથી.ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને સેનેટર ચક શૂમરના નેતૃત્વ
હેઠળના ડેમોક્રેટ્સે શુક્રવારે એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ‘અફોર્ડેબલ કેર એક્ટ’ (ઓબામાકેર)ની
સબસિડીને ઓછામાં ઓછા એક વર્ષ સુધી લંબાવવાની વાત હતી. શરૂઆતમાં રિપબ્લિકન પાર્ટીના સભ્યો
અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવ પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે
રિપબ્લિકન એક ફાઇનાન્શિયલ પેકેજ પર કામ કરી રહ્યા હોવાના સંકેત મળ્યા છે. જે અમુક વિભાગો માટે
આખા વર્ષનું ફંડિંગ સુનિશ્ચિત કરવામાં આવશે. જે ગવર્નમેન્ટ શટડાઉનને સમાપ્ત કરવામાં મદદ કરશે.
અમેરિકામાં સરકારનું શટડાઉન ત્યારે થાય છે જ્યારે યુએસ કોંગ્રેસ (સંસદ) સમયસર ફાઇનાન્સ બિલ
(વિવિધ સરકારી વિભાગો અને યોજનાઓ માટે જરૂરી બજેટ) પસાર કરવામાં નિષ્ફળ જાય છે. બજેટના
અભાવે, બિન-જરૂરી સરકારી કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે. શટડાઉન સમાપ્ત કરવા માટે,
કોંગ્રેસના બંને ગૃહોમાં ‘સ્પેન્ડિંગ બિલ’ અથવા ‘કન્ટીનુઇંગ રેઝોલ્યુશન પસાર થવું અને તેના પર
રાષ્ટ્રપતિની સહી થવી આવશ્યક છે.



