બાંગ્લાદેશ અત્યારે ગંભીર અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં લઘુમતીઓ વિરુદ્ધની હિંસા અને ભારત વિરોધી સૂત્રોચ્ચારોએ જોર પકડ્યું છે. આગામી ચૂંટણીઓ પર અનિશ્ચિતતાનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રશિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવને ઘટાડવા અપીલ કરી છે.
બાંગ્લાદેશમાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ગ્રિગોરીવિચ ખોજિને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો તણાવ જેટલી વહેલી તકે ઓછો થાય તેટલું બંને દેશો માટે સારું છે.’ આગામી 12 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા સુમેળભર્યું વાતાવરણ બને તે માટે તેમણે ‘ભરોસો અને વિશ્વાસ’ કેળવવા પર ભાર મૂક્યો હતો. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા કોઈના આંતરિક મામલામાં દખલ નથી કરી રહ્યું, પરંતુ પરિસ્થિતિ વધુ ન બગડે તે જોવું સમજદારીભર્યું છે.12 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાનારી ચૂંટણીઓ માટે રશિયાએ પણ તૈયારી બતાવી છે. રશિયન રાજદૂતે જણાવ્યું કે તેઓ બાંગ્લાદેશના ચૂંટણી પંચ સાથે સંપર્કમાં છે અને સત્તાવાર આમંત્રણ મળ્યા બાદ ચૂંટણી નિરીક્ષકો મોકલવા અંગે વિચારણા કરશે.
ભારત અત્યારે બાંગ્લાદેશમાં પોતાના દૂતાવાસ પરના હુમલા અને લઘુમતી હિન્દુઓ પર થતી હિંસાને લઈને સખત નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. ત્યારે રશિયાની આ દરમિયાનગીરી કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું.





