બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા, હિન્દુઓની હત્યા અને ભારત-વિરોધી જુવાળ વચ્ચે, હવે બાંગ્લાદેશના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. વચગાળાની સરકારના નાણાકીય સલાહકાર સલેહુદ્દીન અહેમદે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ‘મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.’ તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું શાસન આર્થિક હિતોને રાજકીય બયાનબાજીથી અલગ રાખીને ભારત સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
સરકારી ખરીદી પરની સલાહકાર પરિષદની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા, સલેહુદ્દીન અહેમદે કહ્યું, ‘મુખ્ય સલાહકાર ભારત સાથેના રાજદ્વારી સંબંધોને બહેતર બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. તેમણે આ સંબંધમાં ઘણા સંબંધિત પક્ષો સાથે ચર્ચા પણ કરી છે.’ જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું યુનુસે ભારતના અધિકારીઓ સાથે સીધી વાત કરી છે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, એવું થયું નથી, પરંતુ તેમણે આ મુદ્દા સાથે જોડાયેલા લોકોનો સંપર્ક કર્યો છે.
અહેમદે ભારપૂર્વક જણાવ્યું કે, ‘અમારી વ્યાપાર નીતિ રાજકીય વિચારોથી પ્રભાવિત નથી થતી. જો ભારતથી ચોખાની આયાત કરવી વિયેતનામ કે અન્ય જગ્યાઓ કરતાં સસ્તી પડે, તો આર્થિક દ્રષ્ટિએ ભારતથી જ ખરીદવું યોગ્ય રહેશે.’ તેમણે આ વાત પર ભાર મૂક્યો કે બાંગ્લાદેશે મંગળવારે જ ભારત પાસેથી 50,000 ટન ચોખા ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેને તેમણે ‘સારા સંબંધો બનાવવાની દિશામાં એક પગલું’ ગણાવ્યું હતું






