વિશ્વના સૌથી જૂના લોકશાહી દેશ અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભારત ગૌરવશાળી
સહભાગી બનવા જઈ રહ્યું છે. આગામી 4 જુલાઈ 2026ના રોજ ન્યૂયોર્ક હાર્બર ખાતે યોજાનારી ભવ્ય
આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરેડમાં ભારતીય નૌકાદળનું તાલીમ જહાજ INS સુદર્શિની (A77) સામેલ
થશે. ભારત દુનિયાના એવા 30 દેશોની યાદીમાં સ્થાન પામ્યું છે જેમને આ ઐતિહાસિક કાર્યક્રમ માટે
વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સહભાગીદારી માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ભારતની વધતી
જતી નૌકાદળ શક્તિ અને અમેરિકા સાથેના મજબૂત વ્યૂહાત્મક સંબંધોનું પ્રતીક છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય આયોજનમાં 50થી વધુ વિશાળ ક્લાસ-એ અને બી
જહાજો તેમજ અમેરિકી નૌકાદળના શક્તિશાળી યુદ્ધજહાજો ઉતરશે. વેરાઝાનૉ બ્રિજથી જ્યોર્જ વોશિંગ્ટન
બ્રિજ સુધી યોજાનારી આ પરેડમાં હજારો નાગરિક નૌકાઓ પણ જોડાશે. ભારતીય જહાજ INS સુદર્શિની
અન્ય દેશો જેવા કે ફ્રાન્સ, જર્મની, જાપાન અને બ્રિટનના જહાજો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને
સલામી આપશે. આ અદભૂત દ્રશ્ય ન્યૂયોર્કના આકાશમાં ભારતની આંતરરાષ્ટ્રીય શાખને વધુ ઉજ્જવળ
કરશે.
આ આયોજન ‘Sail4th 250’ ના નામે ઓળખાશે, જે અત્યાર સુધીનો સૌથી મોટો મેરીટાઇમ શો બની
રહેશે. આ કાર્યક્રમથી ન્યૂયોર્ક શહેરને અંદાજે 2.85 બિલિયન ડોલરનો આર્થિક ફાયદો થવાની અપેક્ષા છે.
આ પરેડ દરમિયાન અમેરિકી નૌકાદળની ‘બ્લુ એન્જલ્સ’ ટીમ દ્વારા આકાશમાં દિલધડક કરતબ
બતાવવામાં આવશે અને રાત્રે ભવ્ય આતશબાજી પણ થશે. અંદાજે 80 લાખ જેટલા લોકો આ ઐતિહાસિક
ક્ષણના સાક્ષી બનવા માટે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના કિનારે ઉમટી પડશે.
INS સુદર્શિની એક અત્યાધુનિક ‘થ્રી-માસ્ટેડ બાર્ક’ જહાજ છે, જેનું નિર્માણ ગોવા શિપયાર્ડ દ્વારા કરવામાં
આવ્યું છે. 54 મીટર લાંબા આ જહાજમાં 20 પાલ અને 7.5 કિલોમીટર લાંબી દોરડાની રચના છે, જે તેને
સમુદ્રમાં અદભૂત ગતિ આપે છે. જાન્યુઆરી 2012માં કાર્યરત થયેલું આ જહાજ ખાસ કરીને કેડેટ્સની
તાલીમ માટે વપરાય છે. તાજેતરમાં જ તેણે દક્ષિણ-પૂર્વ એશિયાના 9 દેશોની 127 દિવસની સફળ સફર
પૂર્ણ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.
આ ભવ્ય પરેડ બાદ 8 જુલાઈ સુધી INS સુદર્શિની સહિતના તમામ આંતરરાષ્ટ્રીય જહાજોને સામાન્ય
જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. લોકો કોઈપણ શુલ્ક વિના આ ઐતિહાસિક જહાજોને નજીકથી
નિહાળી શકશે.






