ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓના અંતિમ દિવસે જ અમદાવાદ શહેરની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઇલે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવ અધ્ધર કરી દીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પશ્ચિમ વિસ્તારની અગ્રણી શાળાઓને નિશાન બનાવવામાં આવી છે. જેમાં મેમનગરની મહારાજા અગ્રસેન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલ સહિત અન્ય કેટલીક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓને સવારના સમયે જ ઈ-મેઇલ દ્વારા ધમકી મળી હતી કે શાળા સંકુલમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે.
ધમકી મળતાની સાથે જ શાળા સંચાલકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ સ્થાનિક પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરીક્ષાનો છેલ્લો દિવસ હોવાથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મોટી સંખ્યામાં હતી. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી વર્ગખંડો ખાલી કરાવાયા હતા અને સુરક્ષિત રીતે વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.





