રાજયમાં દિન-પ્રતિદિન આત્મહત્યાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકો કોઇને કોઇ કારણસર જીવનને અણગમું કરીને મોતને વ્હાલું કરે છે. વર્ષ 2021માં પાછલા વર્ષ કરતા આત્મહત્યાના પ્રમાણમાં 9.2 ટકાનો વધારો થયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના અહેવાલ મુજબ, ગુજરાતમાં 2020 માં આત્મહત્યામાં 8,050 લોકોનાં મોત નીપજ્યાં હતાં, પરંતુ 2021 માં આ આંકડો વધીને 8,789 પર પહોંચી ગયો હતો. સુરત અને અમદાવાદમાં આત્મહત્યાની સંખ્યામાં સતત વધારો થયો છે. સુરતમાં આત્મહત્યાનાં સૌથી વધુ બનાવ બન્યા છે જયારે અમદાવાદ બીજા નંબરે છે.
અમદાવાદમાં 2021માં આત્મહત્યાથી 991 લોકોના મોત થયા છે, જ્યારે 2020માં 871 અને 2019માં 763 લોકોએ આત્મહત્યા કરી હતી. સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારા મૃતકોની સંખ્યામાં પણ પાછલા વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો છે. જોકે તેમાં કેટલાક અકસ્માત પણ હોઈ શકે છે, ફાયર બ્રિગેડ દ્વારા નદીમાંથી બચાવવામાં આવેલા મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે તેમણે પોતાનું જીવન ટુંકાવવા નદીમાં ઝંપલાવ્યું હતું. 2021માં આવી ઘટનાઓમાં 26 ટકાનો વધારો થયો છે. નદીમાં ડુબવાથી થતાં મૃત્યુમાં 34 ટકાનો વધારો થયો છે. જયારે 2019માં ફાયર બ્રિગેડને 108 જેટલા રેસ્ક્યુ કોલ મળ્યા હતા, જેમાં 88 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.2020માં આવા કોલ વધીને 142 થયા હતા જેમાં 98 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 29ને બચાવી લેવામાં આવ્યા હતા. 2021માં 179 કોલ્સ મળ્યા હતા. જેમાંથી 132નાં મોત નીપજ્યાં હતાં અને 47ને બચાવી લેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે શહેરી વિસ્તારમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં આત્મહત્યાના જે આંકડા નોંધાયા છે તેમાં ચાર મુખ્ય શહેરોના લોકોનું પ્રમાણ વધારે છે. 2021માં ગુજરાતમાં નોંધાયેલા તમામ આત્મહત્યાનાં બનાવો પૈકી સુરતનાં 12 ટકા હતા.જે 2019 માં 10.3 ટકા હતા. 2021માં અમદાવાદનાં બનાવોનું પ્રમાણ 11.2 ટકા હતું જયારે 2019માં 9.9 ટકા હતું. રાજ્યમાં નોંધાયેલી આત્મહત્યાની દર ત્રણમાંથી એક ઘટના એટલે કે 31.47 ટકા ચાર મુખ્ય શહેરોમાં નોંધાઇ હતી. 2021માં ગુજરાતમાં 8,789 લોકોએ આત્મહત્યા કરી હતી.
આત્મહત્યા કરનારામાં સૌથી વધુ 2,465 લોકોએ પારિવારિક સમસ્યાઓનાં કારણે જીવન ટુંકાવ્યું હતું.જ્યારે 1,788 લોકોએ બિમારીથી કંટાળીને જીવનને જાતે જ પુર્ણ કર્યુ હતુ. તો પ્રેમ સંબંધમાં નિષ્ફળતાનાં કારણે 635 લોકોએ આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે આત્મહત્યાનાં 1,926 એટલે કે 22 ટકા એવા કેસ છે જેમાં આત્મહત્યાનું કારણ દર્શાવાયું નથી. ઘણા કેસ તો એવા પણ હોય છે જેમાં સુખી-સમુદ્ધ લોકો પણ જીવનને અલવિદા કહે છે. આજકાલ સોશિયલ મીડિયાના વધતા વાયરાની વચ્ચે વ્યક્તિ સતત એકલતાથી પીડાતી હોય છે.