ગુજરાતમાં 130 સ્થળોએ IT વિભાગે સપાટો બોલાવ્યો છે. રાજ્યમાં મની લોન્ડરિંગનું કામ કરનારાઓ IT વિભાગની ઝપેટે આવી ચડ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટ બનાવીને મની લોન્ડરિંગ કરનારા પર IT વિભાગ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ 90 જેટલાં સ્થળોએ IT વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગોલ્ડમાઈન સિક્યોરિટીઝ અને સિલ્વર ઓક કોલેજમાં પણ આઇટી વિભાગે દરોડા પાડ્યા છે.
અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બીજા દિવસે પણ IT વિભાગની રેડ યથાવત છે. IT રેડ પડતા યુનિવર્સિટી કેમ્પસ આજે પણ ખાલી છે. આજે વિધાર્થીઓના ઓનલાઈન લેક્ચર્સ લેવામાં આવશે. IT વિભાગની વિવિધ ટીમો દ્વારા કોલજ કેમ્પસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. કોલેજના ટ્રસ્ટી, આચાર્ય અને કોલેજ પરિસર સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
દેશના 50થી વધુ અલગ-અલગ ઠેકાણાઓ પર IT વિભાગે પાડ્યા હતા દરોડા
ઉલ્લેખનીય છે કે, રાજકીય ફંડીંગ પર ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દિલ્હી સહિત દેશના અંદાજે 50થી વધુ અલગ-અલગ ઠેકાણાઓ પર IT વિભાગે સપાટો બોલાવ્યો છે. રેડમાં 300થી વધારે પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા હતા અને તેમાં CRPFના જવાનો પણ સામેલ હતા. ઈન્કમટેક્સ વિભાગના દરોડા દિલ્હી ઉપરાંત હરિયાણા, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 50 જગ્યાએ દરોડા ચાલી રહ્યાં છે.