તમિલનાડુની રાજનીતિમાં સરકાર બન્યાના ગણતરીના દિવસોમાં જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી થલપતિ વિજયની સરકારને બહારથી ટેકો આપી રહેલા ડાબેરી પક્ષોએ (લેફ્ટ ફ્રન્ટ) સમર્થન પાછું ખેંચવાની ખુલ્લી ધમકી આપી દીધી છે.
તમિલનાડુમાં નવી સરકારની રચનાના થોડા જ દિવસોમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી થલપતિ વિજયની પાર્ટી ‘તમિઝગા વેત્રી કઝગમ’ ની સરકારને બહારથી ટેકો આપી રહેલી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી એ સરકાર ઉથલાવી દેવાની સત્તાવાર ધમકી આપી છે. માકપાએ સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યું છે કે, જો સીએમ વિજયે રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ અન્નાદ્રમુક સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરી અથવા તેમના ધારાસભ્યોને કેબિનેટમાં મંત્રી પદ આપવાનો પ્રયાસ કર્યો, તો તેઓ સરકાર પરથી પોતાનો હાથ તાત્કાલિક અસરથી ખેંચી લેશે.
માકપા (CPI-M) ના વરિષ્ઠ નેતા શનમુગમે મુખ્યમંત્રી વિજય પર આકરા પ્રહારો કરતા તેમને ચૂંટણીના વચનો યાદ અપાવ્યા છે. શનમુગમે પત્રકારોને જણાવ્યું કે, “તમિલનાડુની જનતાએ આ વખતે શાસક પક્ષ ડીએમકે (DMK) અને પૂર્વવર્તી એઆઈએડીએમકે (AIADMK) બંનેના ભ્રષ્ટાચારથી કંટાળીને ટીવીકે (TVK) ને એક સ્પષ્ટ અને નવો જનાદેશ આપ્યો હતો. ડાબેરી પક્ષો અને વીસીકે (VCK) એ માત્ર એટલા માટે જ સરકારને બહારથી સમર્થન આપ્યું હતું જેથી રાજ્યની જનતાને એક સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત વિકલ્પ મળી શકે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન થલપતિ વિજયે ‘શાસનને સંપૂર્ણપણે સાફ કરવાનો’ અને ક્લીન ગવર્નન્સ આપવાનો વાયદો કર્યો હતો. હવે જો તેઓ સરકાર ચલાવવા કે ટકાવી રાખવા માટે એ જ AIADMK ની ટીમનો સહારો લેશે, તો તે તમિલનાડુની જનતાની પીઠમાં છરો ભોંકવા સમાન અને જનાદેશનું અપમાન ગણાશે.
માકપા નેતાએ આશા વ્યક્ત કરી છે કે ટીવીકે (TVK) નું નેતૃત્વ આ હદ સુધી નહીં જાય. પરંતુ જો તેઓ અન્નાદ્રમુકને સરકારનો હિસ્સો બનાવશે, તો ડાબેરી પક્ષો પોતાના સમર્થન પર પુનઃવિચાર કરશે અને વિજય સરકાર ભારે સંકટમાં આવી શકે છે. આ નિવેદન બાદ તમિલનાડુના રાજકીય ગલિયારાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં જ ટીટીવી દિનાકરને પણ સીએમ વિજય પર હોર્સ ટ્રેડિંગ (ધારાસભ્યોની ખરીદ-વેચાણ) નો આરોપ લગાવીને સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી હતી, જેના કારણે મુખ્યમંત્રી વિજયના આગામી રાજકીય કદમ પર આખા દેશની નજર મંડાયેલી છે.






