મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. તાજેતરમાં ઓમાનની ખાડીમાં અમેરિકન સેનાએ ઈરાનના ધ્વજ સાથેના સેલેશિયલ સી’ નામના ઓઇલ ટેન્કરને રોકીને તેની તલાશી લીધી હતી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ ટેન્કર અમેરિકન નૌકાદળની નાકેબંધીનું ઉલ્લંઘન કરીને ઈરાની બંદર તરફ આગળ વધી રહ્યું હતું.
31મી મરીન એક્સપિડિશનરી યુનિટના કમાન્ડોએ લગભગ 120 મીટર લાંબા આ જહાજ પર ચઢીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તપાસ બાદ જહાજને છોડી દેવામાં આવ્યું હતું, પરંતુ તેના ક્રૂને રૂટ બદલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે તે હોર્મુઝની ખાડી અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ઈરાન સાથે જોડાયેલા જહાજો પર નજીકથી નજર રાખી રહ્યું છે. અત્યાર સુધીમાં 91 કોમર્શિયલ જહાજોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઈરાન પર નવા લશ્કરી હુમલાની યોજના હાલ પૂરતી રોકી દીધી છે. ટ્રમ્પના મતે, ખાડી દેશોની વિનંતી બાદ તેમણે લશ્કરી કાર્યવાહી ટાળી છે અને વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. બીજી તરફ ઈરાન પણ પીછેહઠ કરવાના મૂડમાં જણાતું નથી. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સએ ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઈઝરાયલ ફરીથી હુમલો કરશે, તો યુદ્ધ આખા મિડલ ઇસ્ટ અને તેની બહાર સુધી ફેલાઈ શકે છે.





