ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરી પોતાના સ્થાપના કાળથી જ પશુપાલકોને સર્વોચ્ચ ભાવ આપી ભાવનગર જીલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી બની છે. અત્યારે પણ સર્વોત્તમ ડેરી દ્વારા કીલોફેટે વિક્રમજનક ભાવ રૂા.૭૫૫ ચુકવવામાં આવે છે. પરંતુ હાલમાં ખેતી ખુબ જ ખર્ચાળ તેમજ પુરતું ઉત્પાદન મળતું ન હોવાથી તેમજ વરસાદની અનિયમિતતાના લીધે ઘાસચારાની તંગીના કારણે ઘાસચારો પણ ખુબ જ મોંઘો થયો છે જેથી પશુપાલન પાછળ થતો ખર્ચ વધારે થાય છે.
આથી આ તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ તેમજ લમ્પી સ્કીન ડીસીજ જેવી મહામારીના કારણે થયેલ નુકશાનથી પશુપાલકોને રાહત મળે અને નજીકના દિવસોમાં આવનારા તહેવારો જેવા કે શ્રાધ્ધ, દિવાળી તથા નૂતનવર્ષ વિગેરે ધામધૂમથી ઉજવી શકે એવા શુભ આશયથી સર્વોત્તમ ડેરીના નિયામક મંડળ દ્વારા રૂા.૫૫નો અભૂતપૂર્વ વધારો કરી તા.૧૧-૯-૨૨ થી અમલમાં આવે તે રીતે દૂધ ખરીદભાવ કીલોફેટે રૂા.૮૧૦ કરવામાં આવેલ છે. આ ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ભેશના દૂધના કીલોફેટે રૂા.૮૧૦ અને ગાયના દૂધના રૂા.૮૧૦ થી ૧૦૩૦ સુધી મળશે. ગાયનું દૂધ આરોગ્યની દ્રષ્ટિએ અતિ ઉત્તમ અને તાકાત પ્રદાન કરનાર હોવાથી ગૌ માતાનો મહિમા વધે એ માટે ભેશના દૂધના ભાવની સરખામણીએ ગાયના દૂધના ભાવ ઘણા જ વધારે ચુકવવામાં આવે છે. દૂધ ઉત્પાદકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને સર્વોત્તમ ડેરી દ્વારા દૂધનાં ખરીદભાવમાં આ વર્ષે સતત પાંચમી વખત ભાવ વધારો કરવામાં આવેલ છે. હાલમાં સર્વોત્તમ દાણ બનાવવાના કાચા માલની ખરીદીમાં પણ કમરતોડ ભાવ વધારો થયેલ હોવા છતાં પણ સર્વોત્તમ દાણના ભાવ યથાવત રાખવામાં આવેલ છે.સને ૨૦૨૧-૨૨ ના સપ્ટેમ્બર માસમાં પ્રતિ કીલોફેટે રૂા.૭૧૫ ભાવ હતો જે તબક્કાવાર માત્ર ૬ માસમાં રૂા.૮૫ રૂપિયા વધી રૂપિયા ૮૧૦ થવા પામ્યો છે. સને ૨૦૨૨-૨૩ ના સપ્ટેમ્બર માસમાં પ્રતિ કીલોફેટે રૂા.૮૧૦ કરવામાં આવેલ છે. જેથી દૂધ ઉત્પાદકોને ગત વર્ષ કરતા રૂા.૯૫ કીલોફેટે વધારે મળશે. આ ભાવવધારાથી જીલ્લાના દૂધ ઉત્પાદકોને પ્રતિ માસ રૂા.૩ કરોડથી વધારે રકમ મળશે.