તહેરાન,
મિડલ ઇસ્ટમાં સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં જમીની સ્તરે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાન દ્વારા તેના પાડોશી દેશો કુવૈત અને બહેરીનને લક્ષ્ય બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા. જોકે, અમેરિકન અને બહેરીનની સંયુક્ત એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, કુવૈત તરફ છોડાયેલી બે મિસાઈલો લક્ષ્ય ચૂકી ગઈ હતી અથવા હવામાં જ તૂટી પડી હતી. જ્યારે બહેરીન તરફ આવી રહેલી ત્રણ મિસાઈલોને ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડી હતી. સદનસીબે આ હુમલાઓમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ ઉશ્કેરણીજનક હુમલાના જવાબમાં અમેરિકાએ આક્રમક વલણ અપનાવીને પોતાની આત્મરક્ષામાં ઈરાન પર વળતો પ્રહાર કર્યો છે. અમેરિકન સેનાએ ઈરાનના કેશ્મ દ્વીપ અને ગોરુક વિસ્તારમાં આવેલા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.જેમાં ઈરાની સેનાના મહત્વના રડાર સ્ટેશનો, ડ્રોન કંટ્રોલ સાઇટ્સ, એર ડિફેન્સ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે,
અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી માત્ર સ્વ-બચાવ હેઠળ કરવામાં આવી છે, કારણ કે ઈરાને અગાઉ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અમેરિકન ડ્રોન તોડી પાડ્યું હતું અને તે દરિયાઈ જહાજો માટે પણ ખતરો છે. બીજી તરફ, ઈરાની મીડિયાએ અમેરિકાના આ વળતા પ્રહારને એકતરફી આક્રમકતા ગણાવીને તેની આકરી નિંદા કરી છે.
બોક્સ…
અમેરિકા-ઈરાન સંઘર્ષ બાદ ઓઈલના ભાવમાં ઉછાળો
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે બુધવારે સવારે ક્રૂડ ઓઇલના ભાવમાં 1% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. બ્રેન્ટ ક્રૂડની કિંમત 1.05 ડોલર એટલે કે 1.09% વધીને 97.05 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ. જ્યારે અમેરિકી WTI ક્રૂડ 1.01 ડોલર એટલે કે 1.08% વધીને 94.77 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.





