હાલ દેશમાં અનેક સ્થળો ઉપર પોલિટીકલ પાર્ટીને મળતા ફંડને લઈ તપક્ષ ચાલી રહી છે. તેવામાં હવે મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી ચાલતા રાજકીય પક્ષને મળેલા કરોડોના ડોનેશનને લઈ ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે. તાજેતરમાં સમગ્ર દેશમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમ્યાન આ રાજકીય પક્ષની માહિતી પણ સામે આવી છે. જનતાવાદી કોંગ્રેસ પાર્ટી નામની આ પાર્ટીનું મુખ્યાલય ચુનાભટ્ટી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં આવેલું છે. માહિતી સામે આવી છે કે, 2015માં બનેલી જનતા પાર્ટીને નાની રકમ નહીં પણ 90 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આવકવેરા વિભાગને આશંકા છે કે, હવાલા રેકેટ દ્વારા મળેલી રકમ કોઈ રાજકીય પક્ષને ટ્રાન્સફર કરવામાં આવી છે. આનાથી શંકા વધુ ઘેરી બની છે.
જનતાવાદી કોંગ્રેસ પાર્ટી એક રજિસ્ટર્ડ પાર્ટી છે, પરંતુ તેણે મહારાષ્ટ્ર કે મુંબઈના રાજકારણમાં ક્યારેય કોઈ ભૂમિકા ભજવી નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, જનતા પાર્ટીને 90 કરોડ રૂપિયા કોણે આપ્યા? જે ચાલીમાં બે માળના રૂમમાંથી પસાર થાય છે અને તેની પાસે પાર્ટી સિમ્બોલ સિવાય બીજું કંઈ નથી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કટકેએ આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, અમારી પાર્ટીને 90 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ તમામ પૈસા પાર્ટીના કામમાં ખર્ચવામાં આવ્યા હતા. અમે કંઈ ખોટું કર્યું નથી.
જનતાવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સંતોષ કટકેએ કહ્યું કે, મેં ચૂંટણી પંચને ખર્ચની તમામ વિગતો સુપરત કરી છે. જો કે આવકવેરા વિભાગે આ દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે. આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, જનતા પાર્ટી દ્વારા દર્શાવવામાં આવેલી તમામ ખર્ચની વિગતો નકલી છે. આ પાર્ટીનો હવાલા ઓપરેટરો કરચોરી કરવા માટે ઉપયોગ કરતા હતા. જનતાવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના 2015માં થઈ હતી. નોંધણી સમયે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, પક્ષનું મુખ્યાલય ચુનાભટ્ટીની ઝૂંપડપટ્ટીમાં છે. 2018માં આ પાર્ટીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ એકપણ બેઠક જીતી શક્યા ન હતા.