ભાવનગરમાં શિક્ષણ કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીના ઇસ્કોન નિવાસસ્થાને આજે ૨૦૦થી વધુ ખેડૂતો દોડી ગયા હતાં. જાે કે, પોલીસે તેઓને ગેટ પર જ રોકી લીધા હતાં. ભારતીય કિસાન સંઘ દ્વારા અપાયેલા કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રી વાઘાણીના ઘરે ખેડૂતો પહોંચ્યા હતાં. ભાવનગર ઉપરાંત અમરેલી અને બોટાદ જિલ્લામાંથી પણ ખેડૂતો મંત્રી વાઘાણીના ઘરે પહોંચી રહ્યા છે. આ બનાવના પગલે ભારે ગરમાવો આવી ગયો છે.

એક તરફ રાજ્ય સરકાર સામે જુદા જુદા સરકારી કર્મચારીઓ પોતાની માંગ અને પ્રશ્નો લઇને આંદોલન સહિતના કાર્યક્રમો આપી રહ્યા છે ત્યાં બીજી બાજુ આજે જગતના તાત એવા ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ અને પ્રશ્નો લઇને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના ઘરે દોડી ગયા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આ કાર્યક્રમ જાહેર કરાયો હોવાનું જાણવા મળ્યું છે જેમાં રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓના નિવાસે હલ્લાબોલ કરવાનું નક્કી કરાયું છે જે અંતર્ગત ભાવનગરમાં પણ આજે ૨૦૦થી વધુ ખેડૂતો મંત્રી જીતુ વાઘાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે. વિજળી, પશુપાલક, ખેતી, સિંચાઇ, મહેસુલ સહિતના વિવિધ પ્રશ્નોથી ત્રસ્ત ખેડૂતોએ શિક્ષણ કેબિનેટ મંત્રી વાઘાણીના ઘરે હલ્લાબોલ કરી ધરણા પર બેસવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમના પગલે પોલીસનો કાફલો પણ ખડકાઇ ગયો છે અને મંત્રીના ઘર સુધી ખેડૂતોને અટકાવાયા હોવાની હાલ વિગતો મળી રહી છે. બીજી તરફ અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો ભાવનગર આવી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.




