રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે ૨૩થી ૨૫ જૂન દરમિયાન આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૨૪મા શાળા પ્રવેશોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઉત્સાહભર્યા માહોલમાં પ્રથમ દિવસે જ જિલ્લાભરના ૪૫ હજારથી વધુ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડાઈને નવું શૈક્ષણિક સત્ર શરૂ કર્યું છે.
ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રથમ દિવસે શિક્ષણ પ્રત્યે ભારે જનજાગૃતિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગામી બે દિવસ સુધી આ શૈક્ષણિક મહોત્સવ અંતર્ગત બાકી રહેતા તમામ બાળકોના નામાંકનની પ્રક્રિયાને વધુ વેગવંતી રાખવામાં આવશે.
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થઈને કુલ ૧૭,૫૮૮ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો, જેમાં મહુવામાં સૌથી વધુ ૩,૬૮૬ અને તળાજામાં ૩,૪૧૬ બાળકો નોંધાયા છે.
ધોરણ-૧ અને ૯: ધોરણ-૧માં કુલ ૬૮૫ બાળકો તેમજ ધોરણ-૯માં કુલ ૧૫,૨૩૩ વિદ્યાર્થીઓએ શાળાઓમાં ઉત્સાહભેર પગલાં માંડ્યા છે.
ધોરણ-૧૧: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના પ્રથમ વર્ષમાં જિલ્લાભરમાંથી કુલ ૭,૬૭૪ વિદ્યાર્થીઓ પ્રવેશિત થયા છે.
આંગણવાડી ઘટક: જિલ્લાના અલગ-અલગ આંગણવાડી કેન્દ્રોમાં કુલ ૪,૪૬૭ નાનાં બાળકોને આવકારવામાં આવ્યા, જેમાં શિહોરમાં સૌથી વધુ ૫૨૦ બાળકો નોંધાયા છે.





