ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર ગઇકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારના 6 વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં 12.64 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 12.36 ઈંચ વરસાદથી પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે બીજી તરફ મહેસાણાના કડીમાં અડધી રાતે માત્ર બે કલાકના અરસામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે જૂનાગઢના માણાવદરમાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજના સવારના 6 વાગ્યાથી લેટેસ્ટ આંકડા સામે આવવા લાગ્યા છે. આજે મેઘરાજાએ વલસાડનો વારો પાડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાના કડી પંથકમાં વીજળીના કડાકા સાથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કડીમાં રાત્રે 2થી 4 વાગ્યાના માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં આશરે 8 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતાં સમગ્ર કડી શહેર અને આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગઇકાલે જૂનાગઢ અને ગીર સોમનાથ બાદ આજે મેઘરાજાએ જાણે વલસાડ જિલ્લાનો વારો પાડ્યો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકના ટૂંકા ગાળામાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વલસાડ તાલુકામાં 6.10 ઈંચ વરસાદ નોંધયો હતો. જ્યારે તેના બાદ ડાંગના ધ ડાંગ તાલુકામાં 3.11 અને નવસારીના ગણદેવીમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારના બે કલાકમાં અત્યાર સુધીમાં 29 તાલુકામાં મેઘમહેર થઇ ચૂકી છે.જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર સિવાય તમામ ગુજરાતમાં આજે હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે અનેક જિલ્લાને ઘમરોળ્યા બાદ મેઘરાજાની સવારે આજે ધીમી પડવાની શક્યતા છે. જોકે આ આગાહી સવારના 7ના 10 વાગ્યા સુધીના ત્રણ કલાક માટે જ છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર, 2 જુલાઈ 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારો, સમગ્ર દિલ્હી, ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો, મધ્યપ્રદેશના મોટાભાગના ભાગો તેમજ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો સુધી આગળ વધ્યું છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે. ગુજરાતમાં જુલાઇ આવતા જ વરસાદની જમાવટ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા 15 દિવસથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજ્ય આસપાસ એક સાથે 5 જેટલી સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થતાં આગામી દિવસોમાં ધમધોકાર વરસાદ પડે તેવી આગાહી છે.






