ભાવનગર,તા.૭
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં ચોમાસુ પૂરબહારમાં જામ્યું છે. જેમાં ગત રાત્રીના ભાવનગર શહેર અને જિલ્લામાં દિવસભરના બફારા બાદ ધમાકેદાર બેટિંગ કર્યું હતું અને સર્વત્ર બેઠી ૬ ઇંચ સુધીનો જોરદાર વરસાદ પડ્યો હતો પરિણામે નીચાણવાળા વિસ્તારો સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને જળાશયોમાં ધોધમાર નવા નીરની આવક થઇ હતી. શહેરના વિવિધ વિસ્તારો જળબમ્બાકાર થયા હતા અનેક વાહનો પાણીમાં ફસાયા હતા જેના કારણે તંત્રની પ્રિમોન્સુનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
છેલ્લા ચારેક દિવસથી પડી રહેલા હળવા વરસાદ બાદ ગત રાત્રીના ભાવનગર શહેરમાં એકાએક ગાજવીજ સાથે ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો, લગભગ એકાદ કલાક સુધી પડેલા ધોધમાર વરસાદમાં સાડાચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં કુંભારવાડામાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા.અને ઘરમાં પાણી ઘુસ્યા હતા. આ ઉપરાંત રેલવે સ્ટેશન રોડ, દાણાપીઠ, ગંગાજળિયા તળાવ તેમજ ઘોઘાસર્કલ, સરદારનગર, રૂપાણી, તળાજારોડ, ટોપથ્રી સર્કલ, વિરાણી સર્કલ, ભગવતી સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત કરચલિયાપરા તેમજ પ્રભુદાસતલાવ મફતનગર સહિતના વિસ્તારોમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત ધોબી સોસાયટીથી જ્વેલર્સ સર્કલ તરફના રસ્તા ઉપર પાણી ભરાતા કલાકો સુધી રસ્તો બંધ થયો હતો. તેમજ ગઢેચી વડલાથી જ્વેલર્સ સર્કલનો રોડ પણ પાણી ભરવાના કારણે બંધ થયો હતો.જેના કારણે ઘરે જતા અનેક લોકોના વાહનો બંધ પડ્યા હતા અને પાણીમાં ફસાયા હતા. ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ મોનસુનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદની વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક ચૂંટાયેલા બે-ચાર નગરસેવકો સિવાય કોઈ વિસ્તારના લોકોની ખબર લેવા પણ ગયું ન હતું અને જે નગરસેવકો વિસ્તારમાં ગયા હતા તેમને રહીશોના રોષનો ભોગ બનવું પડ્યું હતું.




