અસમમાં પૂરની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે. પાછલા 24 કલાકમાં પૂરના કારણે વધુ 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે ચાલુ વર્ષે પૂરથી મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના બુલેટિન મુજબ, રાજ્યના 16 જિલ્લાઓમાં 5.64 લાખથી વધુ લોકો પૂરના પાણીમાં ઘેરાયેલા છે.શિવસાગર જિલ્લામાં પૂરથી સૌથી વધુ તારાજી સર્જાઈ છે, જ્યાં 13 લોકોના મોત થયા છે અને 3.59 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ સિવાય જોરહાટમાં 87 હજાર અને ચરાઈદેવમાં 72 હજારથી વધુ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. રાજ્યના 44 રેવન્યુ સર્કલ હેઠળના 872 ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાહત કામગીરી માટે 71 રિલીફ કેમ્પ અને 202 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે તેઓ પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈને સ્થળ પર જઈને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરશે.






