ભાવનગર શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં ગેરકાયદેસર નાણાંની ધીરધાર અને વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વ્યાજના નાણાંની પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસથી કંટાળીને એક ૪૫ વર્ષીય મહિલાએ પોતાના ઘરે જ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં વ્યાજખોર દંપતી વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, બોરતળાવ મફતનગર, ખોડીયાર ચોક ખાતે રહેતા અનિતાબેન નિલેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૫) ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે નવેક મહિના પહેલાં પોતાની શેરીમાં જ રહેતા હકાભાઈ પાંચાભાઈ તથા તેમનાં પત્ની પારસબેન પાસેથી જરૂરિયાત હોવાથી રૂ.૫૦,૦૦૦ હાથ ઉછીના લીધા હતા. આ રકમના વ્યાજ પેટે અનિતાબેન દર મહિને નિયમિત રૂ.૫,૦૦૦ ચૂકવતાં હતા.
ત્યારબાદ ચાલુ મહિને અનિતાબેનના પતિ બીમાર પડતાં તેમને હોસ્પિટલનો ખર્ચ આવી ગયો હતો, જેના કારણે તેઓ આ મહિનાનું રૂ.૫,૦૦૦ વ્યાજ ચૂકવી શક્યા નહોતા. આ બાબતનું મનદુઃખ રાખી હકાભાઈએ અનિતાબેનને પોતાના ઘરે બોલાવી ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો આપી હતી. અનિતાબેને ગાળો બોલવાની ના પાડતાં હકાભાઈએ ફળિયામાંથી લાકડાનો ધોકો ઉઠાવી તેમને માર મારવા દોડ્યા હતા. આ સમયે દેકારો થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વચ્ચે પડીને વધુ ઝઘડો અટકાવ્યો હતો.
આ બનાવ બાદ અનિતાબેન પોતાના ઘરે પરત ફર્યા ત્યારે પારસબેને ફોન કરીને ગાળો આપી હતી અને “જો વ્યાજના પૈસા નહીં આપે તો સારાવાટ નહીં રહે” તેવી ધમકી આપી હતી. આ સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી અત્યંત કંટાળી જઈને અનિતાબેને પોતાના ઘરે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. પતિ ઘરે આવતાં બનાવની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સર તખ્તસિંહજી (સરકારી) હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે બોરતળાવ પોલીસે અનિતાબેનની ફરિયાદના આધારે હકાભાઈ અને પારસબેન સામે બી.એન.એસ. તથા ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ અને જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ઝાલાએ હાથ ધરી છે.





