ભાવનગર શહેરને હરિયાળું અને સુંદર બનાવવાની મૂળભૂત જવાબદારી મહાનગરપાલિકાની છે, પરંતુ આ ક્ષેત્રે ‘ગ્રીનસિટી’ અને ‘સદ્ભાવના’ જેવી સામાજિક સંસ્થાઓનું પ્રદાન વધુ ઉત્કૃષ્ટ રહ્યું હોવાની બાબત ભાવનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં ચર્ચાનો વિષય બની હતી. સભા દરમિયાન ગ્રીનસિટી સંસ્થા દ્વારા વૃક્ષારોપણ અને તેના જતન માટે કરવામાં આવતી અસરકારક અને પરિણામલક્ષી કામગીરીની સકારાત્મક નોંધ લેવામાં આવી હતી.
સાધારણ સભામાં સભ્યો દ્વારા તંત્રની વૃક્ષ ઉછેર અને વાવેતર અંગેની નબળી કામગીરી સામે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. સભામાં ઉદાહરણ આપતાં જણાવવામાં આવ્યું હતું કે, શહેરના રોડ ડિવાઈડર પર કોર્પોરેશન દ્વારા વાવવામાં આવેલા છોડ યોગ્ય માવજતના અભાવે સુકાઈ ગયા છે, જ્યારે બીજી તરફ ગ્રીનસિટી સંસ્થા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષો અને છોડ આજે પણ લીલાછમ અને બગીચા જેવા લહેરાઈ રહ્યા છે.
સભા દરમિયાન જાગૃત સભ્યોએ રજૂઆત કરી હતી કે ભાવનગરને ખરેખર હરિયાળું બનાવવું હોય તો માત્ર કાગળ પરની યોજનાઓ પૂરતી નથી. મહાનગરપાલિકાએ ગ્રીનસિટી જેવી સક્રિય સંસ્થાઓને પૂરતો સહકાર આપવો જોઈએ અને તેમને વધુ પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી શહેરના પર્યાવરણને મોટો ફાયદો થઈ શકે.



