ભાવનગર શહેરની જીવાદોરી અને ખેડૂતોને સિંચાઈ માટેનો મદાર એવા શેત્રુંજી ડેમમાં ગઇકાલથી નવા નીરની આવક શરૂ થઇ છે અને એક રાતમાં ૩ઇંચના વધારા સાથે સપાટીમાં આજે ૩૧ ફૂટ થઇ છે અને હજુ સાંજ સુધીમાં વધુ એક ઇંચ સપાટી વધે તેવી સંભાવના છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટો ડેમ હોવાનું શેત્રુંજી ગૌરવ ધરાવે છે, આ વર્ષે શેત્રુંજી ડેમ હજુ છલકાયો નથી. પરંતુ ધીમી છતાં મક્કમ ગતિએ છલક સપાટી તરફ આગળ ધપી રહ્યો છે. ૩૪ફૂટ ઓવરફ્લો થતો શેત્રુંજી ડેમની સપાટી ૩૧ફૂટ થતા હવે માત્ર ૩ફૂટ છલક સપાટીથી દૂર રહ્યો છે. ગઇકાલે અમરેલી પંથકમાં તેમજ ગારિયાધાર વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં પાણીની આવક નોંધાઇ હતી. પ્રારંભે ૨૦૩૦ક્યુસેક આવક બાદ ઘટીને ૮૦૭ક્યુસેક થઇ છે. બપોરે ડેમની સપાટી ૩૧ફૂટ થઇ છે અને સાંજે હજુ એકાદ ઇંચ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, લગભગ એક મહિના બાદ ડેમમાં પાણીની આવક પુનઃ શરૂ થઈ છે. જાેકે, ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસે તથા ખોડીયાર ડેમ ધારીના દરવાજા ખૂલે તો શેત્રુંજી પણ છલકાઈ જાય. ભૂતકાળમાં ગણતરીના કલાકોમાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના અને દિવસો સુધી ઓવરફ્લો રહ્યા હોવાનો ઘટનાક્રમ બની ચૂક્યો છે.!
બોરતળાવમાં ધસમસતી આવક થતા સપાટીમાં પાંચ ઇંચનો વધારો
ભાવનગરના બોરતળાવમાં રવિવારે સવારથી નવા નીરની આવક શરૂ થવા પામી હતી જે ૨૪ કલાકના અંતે ૫ઇંચના વધારા સાથે ૩૬.૦૬ફૂટ પહોંચી છે જ્યારે આજે સવારે પાણીની સામાન્ય આવક શરૂ છે. આ ઉપરાંત રાજપરા ખોડિયાર ડેમમાં બે ઇંચના વધારા સાથે સપાટી ૧૬.૦૬ફૂટ થઇ છે. આમ, બે દિવસથી વરસી રહેલા વરસાદથી ભાવનગરના શેત્રુંજી ડેમ, બોરતળાવ અને ખોડીયાર ડેમમાં નવા નીરની આવક થઈ છે.