દુનિયાની કેટલીક મોટી ટેક કંપનીઓના શેર્સને ટ્રેક કરનાર નાસ્ડેકે એવી યોજના તૈયાર કરી છે જેનાથી દિવસના 24 માંથી 23 કલાક ટ્રેડિંગ થઈ શકશે. સીએનબીસી-ટીવીના રિપોર્ટ અનુસાર નાસ્ડેકની યોજના રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ET (ઈસ્ટર્ન ટાઈમ ઝોન) નવું ઓવરનાઈટ ટ્રેડિંગ સેશન શરૂ કરવાની છે. જો આ યોજના હેઠળ ટ્રેડિંગ શરૂ થાય છે તો નાસ્ડેક સ્ટોક માર્કેટમાં અઠવાડિયામાં પાંચ દિવસ લગભગ દરરોજ 23 કલાક ટ્રેડિંગ શક્ય બનશે. નવું સેશન હાલમાં 6 ડિસેમ્બર 2026 થી શરૂ થવાની અપેક્ષા છે. જોકે, હજુ આ અમેરિકી બજાર નિયામક SEC ની મંજૂરી અને SIPની તૈયારીથી નક્કી થશે.
પ્રસ્તાવિત શેડ્યૂલ હેઠળ ટ્રેડિંગ રવિવારે રાત્રે 9 વાગ્યાથી શુક્રવારે રાત્રે 8 વાગ્યા (ET) સુધી ચાલશે. દરરોજ રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા (ET) સુધી એક કલાકનો બ્રેક હશે, જેનો ઉપયોગ પ્રોસેસિંગ અને આગામી ટ્રેડિંગ ડેમાં ટ્રાન્ઝિશન માટે કરવામાં આવશે. જ્યારે નાસ્ડેકના હાલના સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા (ET) સુધીના ટ્રેડિંગ કલાકોમાં કોઈ ફેરફાર થશે નહીં. નાસ્ડેકે આ નિર્ણય દુનિયાભરના રોકાણકારો માટે અમેરિકી સ્ટોક્સ સુધી પહોંચ વધારવાના પ્રયાસનો એક ભાગ છે. અમેરિકા બહારના રોકાણકારોની માગ સતત વધી રહી છે.





