મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ અને દક્ષિણ મુંબઈમાં મેકડોનાલ્ડના આઉટલેટ તેમજ રાજ્યભરમાં ૧૨ અન્ય ખાદ્ય સંસ્થાઓના ફૂડ બિઝનેસ લાઇસન્સ ખાદ્ય સલામતી અને સ્વચ્છતાના ધોરણોના કથિત ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કર્યા હોવાનું અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
મે મહિનામાં એફડીએના અધિકારી તુકારામ મુંઢેએ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમણે વિવિધ કાયદાઓ અને નિયમોનું ઉલ્લંઘન કરતી ખાદ્ય સંસ્થાઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં એક ખાસ ઝુંબેશ હેઠળ તેમણે રાજ્યભરમાં ૮૯ હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાનું ઈન્સ્પેકશન કર્યું હતું અને ૭૧ સંસ્થાઓને ઈમ્પ્રુમેન્ટ (સુધારણા કરવાની) નોટિસ આપી હતી જ્યારે ૧૩ ખાદ્ય સંસ્થાઓના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા હતા.
આ દરમ્યાન ૧૯ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવેલા ઈન્સ્પેકશન દરમ્યાન રેડિયો ક્લબે નિયમોનું પાલન નહીં કર્યું હોવાનો દર ૪૭ ટકા નોંધાયો હતો અને સસ્પેન્શન સમયગાળા દરમ્યાન ખોરાકની તમામ ખરીદી, વેચાણ અને વિતરણ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીઓને કથિત રીતે ક્લબના રસોડામાં મોટી સંખ્યામાં જીવંત માખીઓ અને મરેલા વાંદો મળી આવ્યો હતો. તેમને કથિત રીતે ખોરાક તૈયાર કરવાના વિસ્તારોની ઉપર છત પર રંગ અને પ્લાસ્ટર, ખાદ્ય પદાર્થોની નજીક સંગ્રહિત વોશિંગ પાવડર અને અન્ય રસાયણો, સીધા ફ્લોર પર રાખેલો ખોરાક અને માંસાહારી ખોરાક માટે વપરાતા અસ્વચ્છ રેફ્રિજરેટર પણ મળી આવ્યા હતા. કચરાના ડબ્બા રસોઈના ચૂલા પાસે મૂકવામાં આવ્યા હોવાનું પણ એફડી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
કોલાબાના મેટ્રો હાઉસ ખાતે હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ પ્રા. લિ.ના મેટ્રો હાઉસ ખાતેના મેકડોનાલ્ડ ફેમિલી રેસ્ટોરન્ટ કિઓસ્કને તેના એફએસએસએઆઈ લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો સામનો કરવો પડ્યો હતો. ૧૯ ઓગસ્ટના રોજ ફરીથી કરવમાં આવેલા ઈન્સ્પેકશન દરમ્યાન જણાઈ આવ્યું હતું કે અગાઉની સુધારણા સૂચનામાં સૂચિબદ્ધ ૨૦ ખામીઓમાંથી ૧૮ ખામીઓ સુધારવામાં આવી નથી. કથિત રીતે અનકેલિબ્રેટેડ રેફ્રિજરેશન સાધનો, જીવંત વંદો, જંતુના ફાંસોનો અભાવ, રસોડાના ફ્લોર પર સડતો ખોરાકનો કચરો, ગંદા સફાઈ કાપડ અને રક્ષણાત્મક કવચ વિના ધૂળથી ઢંકાયેલ લાઇટ ફિક્સર મળી આવ્યા હતા. કર્મચારીઓ ગંદા ફૂટવેર અને ગંદા સફાઈ કપડાને હાથ લગાવ્યા પછી હાથ ધોયા વિના તૈયાર ખોરાકનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા. એફડીએ એ જણાવ્યું હતું કે આઉટલેટે ૧૨ ઓગસ્ટના રોજ ૧૪૮ પાનાનો પાલન અહેવાલ રજૂ કર્યો હતો. પરંતુ પુન:નિરીક્ષણમાં સૌથી ગંભીર ખામીઓ હજુ પણ હાજર હોવાનું જાણવા મળ્યું.





