ઈરાન અત્યારે યુદ્ધ અને અમેરિકા સાથે વિવાદમાં ઘેરાયેલો છે. ત્યારે આ દરમિયાન ઈરાનને એક મોટી સફળતા હાથ લાગી છે. ઈરાનના પેટ્રોલિયમ પ્રધાને દેશમાં હાઇડ્રોકાર્બનના નવા અને વિશાળ ભંડાર મળી આવ્યા હોવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. તેમણે આ નવા મળેલા ગેસના ભંડારોને ઈરાનની ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક અત્યંત મહત્વની સંપત્તિ ગણાવી છે.
પ્રધાન પાકનેજાદે એક વિશેષ સમારોહ દરમિયાન આ જાહેરાત કરી હતી. આ ભંડાર વિશે આંકડાકીય માહિતી આપતા પ્રધાને પાકનેજાદે જણાવ્યું હતું કે દક્ષિણી ફાર્સ પ્રાંતમાં 7.5 ટ્રિલિયન ક્યુબિક ફીટથી પણ વધુ ગેસનો પ્રચંડ ભંડાર મળી આવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ વિશાળ ભંડારમાંથી અંદાજે 5.7 ટ્રિલિયન ક્યુબિક ફીટ જેટલો ગેસ બહાર કાઢી શકાય તેવો પ્રાથમિક અંદાજ છે.
ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો અને તેના દબાણ વિશેના એક પ્રશ્નના જવાબમાં તેમણે અમેરિકા દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર નાકાબંધીની તમામ આશંકાઓને ફગાવી દીધી હતી. તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે, મારી પાસે હાઇડ્રોકાર્બનના નવા ભંડાર મળવા અંગે દેશવાસીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે.ખુશી વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આ ભંડાર આપણા દેશના ઊર્જા ભવિષ્ય માટે એક ખૂબ જ મજબૂત પાયો બનશે.અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આ કડક પ્રતિબંધોએ ઈરાનની અર્થવ્યવસ્થાના મુખ્ય ક્ષેત્રો, જેમાં ખાસ કરીને તેના તેલ ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય બજારો સુધીની પહોંચને ગંભીર અસર પહોંચાડી છે. પરંતુ, આટલા મોટા આર્થિક દબાણ અને નાકાબંધી હોવા છતાં, ઈરાને પોતાના સ્થાનિક ઊર્જા સંસાધનોને વિકસાવવાના પ્રયાસો અકબંધ રાખ્યા છે.





